ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine near Chotila sparks outrage

![]()
ખનીજ માફિયાઓની લાપરવાહીએ નિર્દોષનો જીવ લીધો : ખાણના કિનારે બાઇક, કપડાં, મોબાઈલ, ચપ્પલ નજરે પડયા બાદ 18 કલાકના સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન બાદ કાદવમાંથી મૃતદેહ મળ્યો
ચોટીલા, : ચોટીલા-થાનગઢ પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓની કાળી કમાણી અને ગેરકાયદેસર ઉત્ખનનનું વધુ એક કરૂણાજનક પરિણામ સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારી અને માફિયાઓના પાપે એક નિર્દોષ પરિવારનો કુળદીપક બુઝાઈ ગયો છે. વાવડી ગામની સીમમાં ખનિજ માફિયાઓએ ખોદી નાખેલી અને પાણીથી ભરેલી જોખમી ખાણમાં ન્હાવા પડેલા પાજવાળી ગામના 21 વર્ષીય આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો.
ઘટનાની વિગત મુજબ, ચોટીલા-થાનગઢ વચ્ચે વાવડી ગામની સીમમાં આવેલી ખાણના પાણીમાં બુધવારે કાળઝાળ ગરમીથી બચવા માટે સંજય પન્નાભાઈ નામનો યુવાન ન્હાવા પડયો હતો. મોડી સાંજ સુધી તેઓ ઘરે ન પરત ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન ખાણના કિનારેથી તેનું બાઇક, કપડાં, મોબાઈલ અને ચપ્પલ મળી આવતા તેઓ પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા પાકી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પંચાયત, રેવન્યુ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ સહિત ચોટીલા અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, માફિયાઓએ ખોદેલી ખાણ એટલી ઊંડી અને નીચે કાદવ-માટીથી ભરેલી હતી કે રેસ્ક્યુ ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અંતે 18 કલાકની ભારે જહેમત બાદ ગુરૂવારે બપોરે સંજયનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
આશાસ્પદ યુવાન સંજયનો મૃતદેહ મળતા જ સ્થાનિકો અને સમાજના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉગ્ર વિરોધ સાથે રોષે ભરાયેલા લોકોએ થાનગઢ-ચોટીલા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આવા જોખમી ખાડાઓ ખુલ્લા મૂકીને લોકોના જીવ સાથે રમત રમતા ખનીજ માફિયાઓ સામે માનવવધનો ગુનો નોંધીને સખત કાનૂની પગલાં ભરી ન્યાય આપવા માંગણી કરી હતી.


