ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD water from Narmada soon

![]()
દૂષિત પાણીના મુદ્દે ખાસ બેઠકમાં એક્શન પ્લાન બનાવાયો : શહેરીજનોની જરૂરિયાત રોજ 10 MLD, ઘી ડેમમાં હાલ 8 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ
જામ ખંભાળિયા, : પાલિકા દ્વારા શહેરમાં વિતરિત થતું પાણી અને દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદોને અનુલક્ષી પાલિકા પ્રમુખ દ્વારા વોટરપાર્ક શાખાના ઇજનેર, વોટર વર્ક્સ વિભાગના પંપ ઓપરેટરો, સુપરવાઇઝરો વિગેરેની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શુદ્ધ પાણીના વિતરણની ચર્ચા થવા ઉપરાંત નર્મદાના પાણીના હાલના સપ્લાયમાં ૩ એમએલડીમાં વધારો કરી 6 MLD પાણી મળે એવી પ્રમુખે ઉચ્ચસ્થાને કરેલી રજુઆત અન્વયે નજીકના દિવસોમાં શહેરને ત્રણ એમએલડીના વર્તમાન જળજથ્થામાં ૩ એમએલડીનો વધારો કરી 6 MLD જળજથ્થો મળશે એવી વિગતો આપી હતી.
શહેરને ઘી ડેમમાંથી પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે તે ખૂબ જ ડહોળાશવાળું અને આ પાણીમાં પીળાશ જોવા મળે છે . આ બાબતે પાલિકાના પ્રમુખે બેઠકમાં ડેમમાંથી સપ્લાય થતા પાણીમાં જરૂર પડયે ક્લોરીનેશન વધારવા તથા ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી નર્મદાની લાઈન મારફતે દરરોજ ૩ એમએલડી પાણી મળે છે તેમાં વધુ 3 MLD નો વધારો કરી, દૈનિક 6 MLD પાણી મળે તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરનો વ્યાપ-વિસ્તાર વધતા હાલ અંદાજિત 9થી 10 એમએલડી પાણીની દૈનિક જરૂરિયાત રહે છે. હાલ ઘી ડેમમાં આશરે 8 ફૂટ જેટલું પાણી છે.શહેરમાં ચોખ્ખું પાણી મળે તે માટે નર્મદાના નીર લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે નગરપાલિકાને દરરોજ 6 MLD પાણીનો જથ્થો પ્રાપ્ય બનશે.


