જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh Somnath highway security forces on duty at pump

![]()
ડીઝલની અછતથી જગતના તાતને રાતઉજાગરા : છેલ્લા 10 દિવસથી ડીઝલ માટે ખેડૂતોના આખી રાતના ઉજાગરા, : 10 હકટરપીટ કેન લઈને ભટકવા છતાં ડીઝલ મળતું નથી
જૂનાગઢ, : કૃષિ કાર્યો માટે કિંમતી એવા સમયે છેલ્લા દસેક દિવસથી જૂનાગઢ જિલ્લામાં ડીઝલની ભયંકર તંગી ઊભી થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. દરરોજ વહેલી સવારથી જ ખેડૂતો હાથમાં ૧૦-૧૦ લિટરના કેન લઈને આસપાસના પેટ્રોલ પંપો પર લાઈનો લગાવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતોને આખી રાત પંપ પર ઉજાગરા કરવા પડી રહ્યા છે અને ઘર્ષણનાં દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ગડુ નજીક રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.
ડીઝલની અછત અને તંત્રની ઉદાસીનતાથી ત્રસ્ત થઈને આજે જૂનાગઢ-સોમનાથ હાઇવે પર ગડુ નજીક આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડીઝલ ન મળતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ સોમનાથ-જૂનાગઢ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ખેડૂતોને સમજાવીને માંડ-માંડ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ સ્થિતિ એ છે કે જિલ્લાના મોટાભાગના પંપો પર ડીઝલનો જથ્થો આવે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત રાખવાની ફરજ પડી રહી છે. ખેડૂતો અને પંપ સંચાલકો બંને આ વ્યવસ્થાથી કંટાળી ગયા છે.
175થી વધુ પેટ્રોલ પંપો ખાલીખમ, ગણતરીના કલાકોમાં જથ્થો ગાયબ
જિલ્લાના કુલ 175 થી વધુ પેટ્રોલ પંપો પર હાલ ડીઝલની હાહાકાર છે. પંપ પર ડીઝલની ગાડી આવે એટલે તુરંત જ ગણતરીના કલાકોમાં જ આખો જથ્થો ખૂટી જાય છે. ખેડૂતો ઉપરાંત સામાન્ય વાહનચાલકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે.



