गुजरात

જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kankhara dies of fever gg hospital



Jamnagar News : જામનગરમાં આભ તૂટી પડવા જેવી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરના રણજીતસાગર રોડ પર રહેતી માત્ર 21 વર્ષની યુવતી મહેકબેન કનખરાનું ત્રણ દિવસના ટૂંકા ગાળાના તાવની બીમારી બાદ મોત નીપજ્યું છે. ગંભીર સ્થિતિમાં યુવતીને બચાવવા પરિવારે એક જ દિવસમાં અલગ-અલગ 4 હોસ્પિટલોના ચક્કર કાપવા પડ્યા હતા, પરંતુ કમનસીબે તેને બચાવી શકાઈ નથી.

માત્ર ૩ દિવસમાં તબિયત લથડી

રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતા દીપકભાઈ મનસુખભાઈ કનખરાએ પોલીસને સમગ્ર ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, 21 વર્ષની મહેકબેનને છેલ્લા ત્રણેક દિવસથી સખત તાવ અને ઠંડી લાગવાની તકલીફ હતી. તા. 18 મે 2026 ના રોજ તેની સ્થિતિ વધુ બગડતા પરિવારે તેને બચાવવા ભારે દોડધામ કરી હતી. યુવતીને પહેલા સ્થાનિક ડૉ. એમ.એસ. શાહના દવાખાને લઈ જવામાં આવી હતી. ત્યાંથી તબિયત વધુ લથડતાં તાત્કાલિક સમર્પણ હોસ્પિટલ ખસેડાઈ, પરંતુ ત્યાં યોગ્ય સારવાર ઉપલબ્ધ થઈ શકી નહોતી. પરિવાર વધુ ગભરાયો અને જોલી બંગલા સામે આવેલા ડૉ. વોરાના ક્લિનિક પર યુવતીને લઈ દોડ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતાં આખરે યુવતીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી. પરંતુ, સારવાર કારગત નીવડે તે પહેલાં જ મહેકબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ ચોપડે અકસ્માત મોતની નોંધ

માત્ર 21 વર્ષની યુવા દીકરીના અકાળે અવસાનથી કનખરા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 194 મુજબ અકસ્માત મોત અંગે ગુનો નોંધી ડાયરી એન્ટ્રી કરવામાં આવી છે. અને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. વાતાવરણમાં થતા બદલાવ અને અચાનક આવતા આવા ગંભીર તાવને હળવાશથી ન લેવા અને સમયસર યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.



Source link

Related Articles

Back to top button