પતિના મૃત્યુ બાદ સાસુ-સસરા કે જેઠ તેની પત્નીને ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથીઃ વડોદરા કોર્ટનો ચુકાદો | Vadodara Court In Laws Not Liable for Alimony After Husband s Death

![]()
Domestic violence case Vadodara: વડોદરામાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ)ની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, આ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ તેના પતિનું મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં કોર્ટે મહિલાની સુરક્ષા માટે પ્રોટેક્શન ઓર્ડર જાહેર કર્યો છે, પરંતુ ભરણપોષણની માંગણી પર ચુકાદો આપતા સ્પષ્ટ નોંધ્યું છે કે પતિના અવસાન બાદ સાસુ, સસરા કે જેઠ ભરણપોષણ ચૂકવવા માટે કાયદાકીય રીતે જવાબદાર નથી.
વર્ષ 2024માં દાખલ થયો મોટો કેસ
આ કેસની વિગત એવી છે કે, સુનંદાબહેન ગોયલ (નામ બદલ્યું છે) નામની મહિલાએ સાસરીયાઓ દ્વારા થતી શારીરિક-માનસિક હેરાનગતિ સામે વર્ષ 2024માં પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલાના લગ્ન વર્ષ 2005માં અશોકભાઈ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ બાદમાં સાસરીયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી બાળકો તેમના પતિના ન હોવાના મહેણાં મારી ક્રૂરતા આચરી હતી.
આરોપ-પ્રત્યારોપ વચ્ચે કાનૂની જંગ
મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે અને પતિની માસિક આવક ₹70,000 હોવાથી તેને દર મહિને ₹15,000નું ભરણપોષણ મળવું જોઈએ. બીજી તરફ સાસરીયાઓએ આ આક્ષેપોને નકારી કાઢતા લેખિત જવાબ આપ્યો હતો કે મહિલા પોતે ઝઘડાળુ સ્વભાવની છે અને ઘરમાં અલગ રહે છે તથા સાસુ-સસરાનું સન્માન કરવાના બદલે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે.
આ પણ વાંચો: અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી
કેસની સુનાવણી દરમિયાન જ પતિનું અવસાન થતાં કેસમાંથી તેનું નામ હટાવી દેવાયું હતું. અદાલતે સાસરીયાઓને પોતાના પુરાવા રજૂ કરવા અને ઊલટતપાસ માટે પૂરતી તકો આપી હોવા છતાં તેઓ હાજર ન રહેતા, આખરે કોર્ટે તેમનો પુરાવાનો અને ઊલટતપાસનો હક બંધ કરીને આ ચુકાદો આપ્યો હતો.



