સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા AI અને ક્લાઈમેટ ડેટાની મદદ લેશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન | surat municipal corporation to use ai and climate data for malaria control

![]()
- સુરતમાં મેલેરિયા નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન
- સુરત પાલિકા હવે મેલેરિયા સામે AI અને ક્લાઇમેટ ડેટાની મદદ લેશે
- NIH પ્રોજેક્ટની વાર્ષિક સમીક્ષા બેઠકમાં ‘હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ’ પર ભાર
- ભેજ અને તાપમાન આધારે મેલેરિયા ફેલાવા ની આગાહી કરવાનો પ્રયાસ
Surat News: સુરતમાં આબોહવા પરિવર્તન, વધતું શહેરીકરણ અને ભેજયુક્ત હવામાન વચ્ચે મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા હવે આધુનિક ટેકનોલોજી અને આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) નો સહારો લેવામાં આવી રહ્યો છે. જેમાં હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ જેવી AI આધારિત ટેકનોલોજી દ્વારા શહેરના કયા વિસ્તારમાં મેલેરિયા નું જોખમ વધી શકે તેની સચોટ ઓળખ કરી વધુ અસરકારક કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત આબોહવા અને ટેકનોલોજીના સંકલનથી મેલેરિયા નિયંત્રણ માટે આધુનિક મોડલ બની શકે છે.
શહેરી મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિફાઇનિંગ પ્રોજેક્ટ
સુરત શહેરમાં મેલેરિયાના ફેલાવાની અગાઉથી આગાહી કરી સમયસર નિયંત્રણ મેળવી શકાય તે હેતુથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) દ્વારા સુરત શહેરના હવામાનમાં રહેલા ભેજના સંદર્ભમાં ‘શહેરી મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિફાઇનિંગ નામના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કાર્યપ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક વાર્ષિક સમીક્ષા બેઠક મ્યુનિ. કમિશનર એમ. નાગરાજન ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી બેઠક દરમિયાન ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને આબોહવા પરિવર્તન વચ્ચે મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું
હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ
બેઠકમાં હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ ટેકનોલોજી કેવી રીતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેલેરિયાના જોખમને સચોટ રીતે ઓળખી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોર્નેલ યુનિવર્સિટી (અમેરિકા), આઈસીએમઆર – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, ઓક્લાહોમા યુનિવર્સિટી (અમેરિકા), ન્યૂ યોર્ક યુનિવર્સિટી (અમેરિકા), વન હેલ્થ ટ્રસ્ટ અને સુરત -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ણાતો અને અધિકારીઓ જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરની આ સંશોધન પ્રોજેક્ટમાં વૈજ્ઞાનિકો દ્વારા તાપમાન, ભેજ અને અન્ય આબોહવાકીય પરિબળો શહેરી વિસ્તારોમાં મેલેરિયા ટ્રાન્સમિશન કેવી રીતે અસર કરે છે તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે.
મેલેરિયાના જોખમની અગાઉથી આગાહી
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મેલેરિયાના જોખમની અગાઉથી આગાહી કરી જાહેર આરોગ્ય વિભાગને સમયસર એલર્ટ આપવાનો છે. જેના આધારે ચોક્કસ વિસ્તારમાં ફોગિંગ, દવાનો છંટકાવ, પાણી ભરાવાની સમસ્યા દૂર કરવી અને અન્ય નિયંત્રણાત્મક પગલાં વધુ અસરકારક રીતે લઈ શકાશે. આ પ્રકારની AI આધારિત ટેકનોલોજી ભવિષ્યમાં માત્ર મેલેરિયા જ નહીં પરંતુ અન્ય મચ્છરજન્ય રોગચાળા સામે પણ મહત્વની સાબિત થઈ શકે છે. આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત દેશના એવા શહેરોમાં સામેલ થઈ શકે છે જ્યાં આબોહવા અને ટેકનોલોજીના સંકલનથી મેલેરિયા નિયંત્રણ માટે આધુનિક મોડલ વિકસાવવામાં આવ્યું હોય



