એમ.એસ.યુનિ.માં પરીક્ષા પૂરી થયાના 45 દિવસની અંદર 342 પરિણામ જાહેર કરાયા | 342 results declare in 45 days of exam in msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ લગભગ પૂરી થઈ ચૂકી છે.વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી ચાલી રહી છે તો બીજી તરફ પરિણામ પણ જાહેર થવા માંડયા છે.
અત્યાર સુધી પરિણામમાં વિલંબની બૂમો પડતી હતી પણ છેલ્લા એકાદ વર્ષથી પરીક્ષાની કામગીરીમાં સુધારો થઈ રહ્યો છે.એપ્રિલ- મે મહિનામાં યુનિવર્સિટી દ્વારા કુલ ૭૧૩ પરીક્ષાઓ લેવામાં આવી છે અને આ પૈકી ૩૪૨ પરીક્ષાઓના પરિણામ જાહેર થયા છે.આ તમામ રિઝલ્ટ પરીક્ષા લેવાયાના ૪૫ દિવસની અંદર જાહેર કરવામાં આવ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, બીજી ૮૯ પરીક્ષાઓના પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.બે- ત્રણ દિવસમાં આ પરિણામ પણ જાહેર થઈ શકે છે.જ્યારે ૨૮૨ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાના બાકી છે.કારણકે આ પરીક્ષાઓ તાજેતરમાં જ પૂરી થઈ છે.
યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ તાજેતરમાં પૂરી થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની કામગીરી, હાલમાં ચાલી રહેલી આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશની કામગીરી વચ્ચે પણ ઉત્તરવહીઓ તપાસવામાં ઝડપ દાખવી છે.પરીક્ષા વિભાગ દ્વારા આ વર્ષથી તમામ ફેકલ્ટીઓના એસેસમેન્ટ સેન્ટર યુનિવર્સિટી હેડ ઓફિસ નજીક બંધાયેલા પરીક્ષા ભવનમાં કાર્યરત કરાયા છે.
કઈ ફેકલ્ટીના કેટલા પરિણામ જાહેર અને કેટલા બાકી
ફેકલ્ટી જાહેર બાકી
આર્ટસ ૧૯ ૫૪
કોમર્સ ૩૩ ૨૭
એજ્યુકેશન ૧૯ ૧૪
હોમસાયન્સ ૫૭ –
ફાઈન આર્ટસ ૩૯ –
જર્નાલિઝમ ૬ ૩
લો ૨૧ ૩
મેનેજમેન્ટ ૪ ૩
પરફોર્મિંગ આર્ટસ ૧૪ ૧૧
ફાર્મસી ૩ ૮
સાયન્સ ૪૮ ૨૩
સોશ્યલ વર્ક – ૮
ટેકનોલોજી ૭૯ ૧૨૮



