અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work in Akota

![]()
વડોદરા,અકોટા વિસ્તારમાં મોડીરાત્રે ડ્રેનેજ લાઇનની સફાઇ કામગીરી દરમિયાન મેન હોલમાં ઉપરથી નીચે પડતા ઘાયલ શ્રમજીવીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ.બંગાળના માલદા જિલ્લાનો વતની આરફુલ સેતાબ અલી હક ( ઉં.વ.૩૭) છેલ્લા એક સપ્તાહથી વતનના અન્ય લોકો સાથે મજૂરી કામ માટે વડોદરા આવ્યો હતો. તેઓ મુજમહુડા પાસે પડાવ નાખીને રહેતા હતા. અકોટા દાંડિયાબજાર રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડ્રેનેજની સફાઇનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજના મેનહોલમાંથી સ્લજ કાઢ્યા પછી થોડું પાણી અંદર રહ્યું હતું. જે બહાર કાઢવાની કામગીરી બાકી હતી. તે દરમિયાન આરફુલ ડ્રેનેજના હોલની બહાર કિનારે બેઠો હતો. અચાનક તે અંદર પડતા નજીકમાં હાજર અન્ય શ્રમજીવીઓ મેનહોલ પાસે દોડી આવ્યા હતા. અંદર પડેલા સાથી શ્રમજીવીને બહાર કાઢવા માટે તેઓ સીડી લઇને અંદર ઉતર્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં આરફુલને બહાર કાઢી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેની હાલત ગંભીર હોઇ ત્યાંથી વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન શ્રમજીવીનું મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. કે.કે.કાલોતરાએ તપાસ હાથ ધરી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. કરાવ્યું છે. તેમજ સ્થળ પર એફ.એસ.એલ.ની મદદથી તપાસ કરાવવામાં આવી છે. બનાવ ખરેખર કઇ રીતે બન્યો , તે માટે પોલીસે અન્ય શ્રમજીવીઓની પૂછપરછ કરી હતી. ડ્રેનેજના હોલમાં ઉપરથી પડી જવાથી ઇજા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. શ્રમજીવીઓને મોડીરાત્રે કામ કરાવતા સમયે સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા હતા કે કેમ તેમજ શ્રમજીવીને ચક્કર આવ્યા કે પછી અન્ય કોઇ કારણસર તે અંગે પોેલીસે તપાસ હાથ ધરી છે.



