નાણાં ટ્રાન્સફર કરવાના બહાને રૂા.૯૧.૧૦ લાખની ઠગાઈમાં મહિલા આરોપીના આગેતરા નામંજૂર | Advance rejected for female accused in Rs 91 10 lakh fraud on the pretext of money transfer

![]()
નાણાં ટ્રાન્સફર કરી આપવાના બહાને રૂા.૯૧.૧૦ લાખની ઠગાઈના ગુનામાં મહિલા આરોપી સુમન કેસરી (રહે. પટના, બિહાર)ની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
અકોટા વિસ્તારમાં રહેતા ફરિયાદી મૃદુલાબેન સી. પટેલ (ઉ.૮૭)એ એફડીની રકમ ટ્રાન્સફર કરાવવા ઓનલાઈન સર્ચ કરી નંબર મેળવ્યો હતો. તે વખતે અરજદારે પોતાની ઓળખ અભિષેક તરીકે આપી ઈક્વિટ્સ બેંકના કર્મચારી હોવાનું જણાવ્યું હતું.
ગઈકાલે અત્રેની સેશન્સ કોર્ટમાં આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા અરજી સામે વાંધો ઉઠાવતા સરકારી વકીલે દલીલો કરી હતી કે, અરજદાર સામે ગંભીર પ્રકારના ગુનાનો ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ છે. આ ગુનામાં અરજદારની સંડોવણી હોવાનું જણાઈ આવે છે. આગોતરા જામીનનો લાભ મળે તો પંચ તથા સાક્ષીઓને ફોડે તેવી શક્યતા છે.
કોર્ટે તપાસ અધિકારીના અભિપ્રાયને ધ્યાને લેતા નોંધ્યું હતું કે અરજદારે પોતાના બેંક ખાતાનો ફ્રોડ માટે ઉપયોગ કરી પોતાનો આર્થિક ફાયદો મેળવ્યો હોઈ ગુનામાં પ્રથમ દર્શનીય સંડોવણી જણાય છે. આ ગુનો ઈકોનોમિક ગુના સમાન હોઈ, અરજદાર-આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખવી યોગ્ય જણાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ ફરિયાદીનો મોબાઈલફોન હેક કરી ફરિયાદીના બંને બેંક ખાતામાંથી તા. ૨૦થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કુલ રૂા.૯૧.૧૦ લાખની રકમ ઉઠાવી લેવા અંગેનો ગુનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને નોંધાયો છે.


