હવેથી એઆઈનું નિર્માણ એઆઈ જ કરશે : ટેક સેક્ટરમાં સૌથી મોટી ક્રાંતિ | From now on AI will build AI itself: The biggest revolution in the tech sector

![]()
– ટોપ ટેક કંપનીઓ નવી સિસ્ટમ વિકસાવી રહી છે
– નવા એઆઈ મોડલ્સથી સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા વિશ્લેક્ષણ અને રોબોટિક્સમાં મોટાપાયે ફેરફારો જોવા મળશે
કેલિફોર્નિયા: આટફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર માણસના આદેશોનું પાલન કરતી ટેકનોલોજી સુધી સીમિત નથી રહ્યું. દુનિયાભરની મોટી ટેક કંપનીઓ એવી એઆઈ સિસ્ટમ્સ વિકસાવી રહી છે, જે પોતાની નવી એઆઈ તૈયાર કરી શકે, પોતે નિર્ણય લઈ શકે અને પોતાની કામગીરીમાં સતત સુધારા પણ કરી શકે. ટેકનોલોજી ક્ષેત્રમાં આ બદલાવને એઆઈના નવા યુગ તરીકે જોવામાં આવી રહ્યો છે.
જાણકારોના જણાવ્યા મુજબ, એજન્ટિક એઆઈ નવી માહિતી શીખી શકે છે અને અનેક કામગીરીઓ માનવીય મદદ વગર સંભાળી શકે છે. ટેક કંપનીઓ હવે આ એઆઈનો ઉપયોગ કરીને નવા એઆઈ મોડલ્સ વિકસાવવાના પ્રયાસ કરી રહી છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા વિશ્લેષણ અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે તાજેતરમાં ફિઝિકલ એઆઈને આગામી મોટી ટેક ક્રાંતિ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, એઆઈ હવે માત્ર કમ્પ્યુટર સ્ક્રીન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ રોબોટ્સ, કારખાનાં અને વાસ્તવિક દુનિયામાં કામ કરતી મશીનરીમાં પણ જોવા મળશે.આરોગ્ય, બેન્કિંગ, શિક્ષણ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં એઆઈ આધારિત સ્વચાલિત સિસ્ટમ્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે આગામી વર્ષોમાં એઆઈ માણસની જેમ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા તરફ આગળ વધી શકે છે.
– આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે ?
રિકર્સિવ સેલ્ફ ઈમ્પ્રૂમેન્ટ એઆઈ દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે. જેના દ્વારા એઆઈ પોતાની મર્યાદાઓને ઓળખે છે.
પોતાને રિડિઝાઈન કરે છે. આ સંપૂર્ણ કાર્ય માણસની દખલગીરી વગર થાય છે. તેમાં સિસ્ટમ પોતે રિસર્ચ કરે છે, અપગ્રેડ લાગુ કરે છે. તે સતત પોતાને આદેશ આપીને પરિણામોનું પરીક્ષણ કરે છે. ચેટબોટ પ્લેટફોર્મ યુ ડોટ કોમના ફાઉન્ડર રિચાર્ડ સોચર સહિતના ટોપ એઆઈ ફાઉન્ડર્સ આ સિસ્ટમનો મોટાપાયે ઉપયોગ કરી રહ્યા છે.



