મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Gujarat Govt Spending 45 Crore Savings Possible if VVIP Culture and Aviation Splurge Ends

![]()
Gujarat Government VVIP Spending: જનતાના ટેક્સના પૈસા પર જલસા કરવા એ નેતાઓનો જાણે જન્મસિદ્ધ અધિકાર બન્યો છે. એકતરફ સામાન્ય નાગરિક મોંઘવારી, બેરોજગારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ સત્તાધીશોનો વૈભવી ઠાઠ અને ‘વીઆઈપી કલ્ચર’ સરકારી તિજોરીને ખોખલી કરી રહ્યું છે. જો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ જ હેલિકોપ્ટર પ્રવાસ અને લક્ઝુરિયસ કારોનો મોહ છોડી દે, તો માત્ર એક વર્ષમાં પ્રજાના 45 કરોડ રૂપિયા બચાવી શકાય તેમ છે. પરંતુ પ્રજાના સેવક હોવાનો દાવો કરતા આ નેતાઓને વૈભવી ઠઠારાનો ત્યાગ બિલકુલ મંજૂર નથી.
નેતાઓનો વૈભવી ઠાઠ અને મોહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓને હેલિકોપ્ટર અને વૈભવી કારોનો એવો જીવલેણ મોહ વળગ્યો છે, જે છૂટવાનું નામ નથી લેતો. ઉદ્ઘાટનો, સરકારી તાયફાઓ અને માત્ર ફોટો સેશન કરાવવા સરકારી તિજોરીના ભોગે આકાશી સફરો ખેડવામાં આવી રહી છે. હવે જ્યારે વડાપ્રધાને કરકસરની સલાહ આપી છે ત્યારે કારના કાફલાનું કદ ઘટાડીને દેખાડો કરાયો છે. હકીકતમાં ઉદ્ઘાટનો અને લોકાર્પણો માટે પણ હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પાછળનો મુખ્ય હેતુ જનતાની સેવા નહીં, પરંતુ માત્ર હાઈ-પ્રોફાઈલ ફોટો સેશન અને લોકપ્રસિદ્ધિ મેળવવાનો જ દેખાઈ રહ્યો છે. સરકારી તાયફા અને ભવ્ય આયોજનો માત્ર રાજનેતાઓના માર્કેટિંગના સાધન બન્યા છે.
રિપેરિંગ અને મેન્ટેનન્સમાં રૂ. 56 કરોડનો ખર્ચ
ઘણાને એ વાતની ખબર નહીં હોય કે, જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓ સત્તાવાર વિમાન, હેલિકોપ્ટરનો મોહ છોડી દે તો રૂ. 43 કરોડથી વધુનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. આ આંકડો માત્ર એક વર્ષનો છે, બે વર્ષના હિસાબે આ આકાશી સફર માટે રૂ. 86 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે. વિમાન અને હેલિકોપ્ટરના રિપેરિંગ અને ટેકનિકલ મેન્ટેનન્સ પાછળ જ રૂ. 56.66 કરોડનો ખર્ચ થયો છે. સરકારી પ્લેન અને હેલિકોપ્ટર ઉડાવતા પાયલટોને રૂ. 28.08 કરોડ પગાર ચૂકવાયો છે. કુલ મળીને આકાશી સફર પાછળ જ ગુજરાત સરકાર રૂ. 43 કરોડનું આંધણ કરી રહી છે.
જમીન પર પણ મંત્રીઓનો શાહી ઠાઠ
વાત માત્ર આકાશ પૂરતી સીમિત નથી, જમીન પર પણ મુખ્યમંત્રી-મંત્રીઓનો વટ ઓછો થતો નથી. જો મંત્રીઓ કારનો ઉપયોગ બંધ કરે, તો રાજ્યની તિજોરીને વાર્ષિક અંદાજે રૂ. 2થી રૂ. 3 કરોડની સીધી બચત થાય. પ્રત્યેક મંત્રીની કારના પેટ્રોલ-ડીઝલ પાછળ મહિને અંદાજે રૂ. 75 હજારનો ખર્ચ થઈ રહ્યો છે. હવે પાયલોટિંગ કારનો ત્યાગ કરી મંત્રીઓ જાણે કરકસર અને સાદગીનું નાટક કરી રહ્યા છે. આ ઉપરાંત, નેતાઓની સુરક્ષા અને વટ ખાતર આગળ-પાછળ દોડતી પાયલોટિંગ ગાડીઓનો કાફલો જો બંધ કરવામાં આવે, તો અન્ય કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ બચાવી શકાય તેમ છે.
મંત્રીઓ, સરકારી બાબુઓ વિદેશ પ્રવાસ ન કરે, તો રૂ. 10 કરોડનું આંધણ થતા અટકે
વૈશ્વિક અનિશ્ચિતતા, તેલ સંકટ વચ્ચે દેશના ફોરેન એક્સચેન્જ ભંડારને બચાવવા માટે વડાપ્રધાને વિદેશ પ્રવાસ ટાળવા અપીલ કરી છે. વાઈબ્રન્ટ ગુજરાતના પ્રમોશન ઉપરાંત વિવિધ દેશોમાં યોજાતી ઈવેન્ટમાં મંત્રીઓથી માંડીને સરકારી બાબુઓ વિદેશનો આંટો મારી આવ્યા છે. ગુજરાતમાં મોટું રોકાણ લાવવા બહાને મંત્રીઓ-સરકારી બાબુઓ જાપાન, યુએસએ, યુકે, યુએઈ અને યુરોપના દેશોમાં રોડ-શો કરી આવ્યા છે.
વિદેશી પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળ માટે વિમાની ટિકિટની સાથે ફાઈવ-સ્ટાર હોટેલ્સ બુક કરવામાં આવે છે. મંત્રીઓની સાથે સચિવો, પ્રોટોકોલ ઓફિસરો, સુરક્ષા સ્ટાફ અને પર્સનલ સેક્રેટરીઓનો કાફલો જાય છે. મંત્રી-સરકારી બાબુઓ વિદેશ પ્રવાસ ન કરે તો અંદાજે રૂ. 10 કરોડની બચત થઈ શકે છે. ટેક્નોલોજીના આ યુગમાં વિદેશ પ્રવાસના બદલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓનલાઇન બેઠકો યોજી તમામ વહીવટી અને બિઝનેસ ડિલના કામો સરળતાથી થઈ શકે છે.



