અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | manek chowk ahmedabad jewellers theft woman steals gold bangles cctv footage

![]()
Ahmedabad Manek Chowk theft: શહેરના સોના-ચાંદીના હબ ગણાતા માણેકચોક વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ અત્યંત ચાલાકી પૂર્વક વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની સોનાની બંગડીઓ પોતાની બગલમાં સંતાડી દીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને માણેકચોકમાં માયશા જ્વેલ્સ નામની દુકાન ધરાવતા જીગરભાઈ શાહે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 14 મેના રોજ બપોરના સમયે જ્યારે દુકાનમાં સ્ટાફ સ્ટોકની ગણતરી કરી રહ્યો હતો, ત્યારે એક અજાણી મહિલા ગ્રાહક બનીને આવી હતી.
ચોરીની મોડસ ઓપરેન્ડી
મહિલાએ નેવી બ્લુ ટી-શર્ટ, ગ્રે જીન્સ પહેરેલા હતા. ઉપર જાંબલી રંગનો દુપટ્ટો નાખ્યો હતો. મહિલાએ કાઉન્ટર પર બેઠેલા સેલ્સમેનને સોનાની કડલી બતાવવા માટે કહ્યું હતું. સેલ્સમેને જ્યારે તેને અલગ-અલગ ડિઝાઈન બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે તકનો લાભ ઉઠાવી મહિલાએ સોનાની 4 બંગડીઓ અત્યંત ઝડપથી ઉપાડી પોતાની બગલમાં દબાવી દીધી હતી. થોડીવાર ભાવતાલ કરવાનું નાટક કર્યા બાદ, કંઈ પણ લીધા વગર જ તે દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી.
સીસીટીવીએ ખોલી પોલ
મહિલાના ગયા બાદ જ્યારે ફરીથી સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે 2 જોડી (4 નંગ) બંગડીઓ ઓછી જોવા મળી હતી. શંકા જતાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા વેપારીના હોશ ઉડી ગયા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે, મહિલાએ કેવી રીતે નજર ચૂકવીને બંગડીઓ બગલમાં સંતાડી હતી. હાલમાં ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ લેડી ચોરને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકો સાથે વ્યવહાર કરતી વખતે સતર્ક રહેવું.
ચોરીની વિગત
વજન: 74.860 ગ્રામ (22 કેરેટ સોનું)
કિંમત: આશરે ₹5,85,000 રૂપિયા



