હજારો ઘેટાં-બકરા ભરેલું સલાયાનું વહાણ ઓમાનના દરિયે વિસ્ફોટક હુમલામાં ડુબ્યું | Salaya ship carrying thousands of sheep and goats sinks in explosive attack in Gulf of Oman

![]()
14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડે લાઈફબોટના સહારે બચાવ્યા : 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું : સવારે વહાણ ઉપર ડ્રોન અથવા મિસાઈલ પડતાં વિકરાળ આગ ફાટી નીકળી
સલાયા, : ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં લાઈવસ્ટોક ભરેલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ ‘હાજી અલી’ આજે વહેલી સવારે ડ્રોનકે મીસાઈલ હુમલો થતા આગ લાગીને ં ડૂબી ગયું હતું. જો કે જહાજમાં સવાર તમામ 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ, આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો ભોગ બની હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના આજે 13 મેના રોજ વહેલી સવારે 3-30 વાગ્યે ઓમાનના લિમાહ નજીક બની હતી. જહાજ પર કોઈ વિસ્ફોટક પદાર્થ, સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ, અથડાતા ભયાનક વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટક પદાર્થ પડતા આગ લાગતા જહાજ ઝડપથી ડૂબવા લાગ્યું હતું. જહાજ પરના 14 ખલાસીઓ (એક ટંડેલ અને ૧૩ ખલાસીઓ)એ તાત્કાલિક લાઇફબોટનો ઉપયોગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. બાદમાં, ઓમાન કોસ્ટગાર્ડે તેમને રેસ્ક્યુ કરીને ડીબા બંદર પર પહોંચાડયા હતા.
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, જહાજમાં આશરે 4,000 ઘેટાં-બકરા ભરેલા હતા. આ દુર્ઘટનામાં કોઈ ખલાસીને ગંભીર ઈજા થઈ નથી. તેમના તમામ દસ્તાવેજો પણ સલામત છે. ઓમાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ખલાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે કાર્યવાહી કરવા ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. આ જહાજ 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક ભરીને શારજાહ જઈ રહ્યું હતું. એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આ પ્રકારનો બીજો બનાવ બનતા સલાયામાં ચિંતાનો માહોલ છે



