અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ahmedabad News near Parshvanath Four men attacked with weapons Krishnanagar Police Station

![]()
Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકો પર હુમલો કરવાની ઘટનાઓ વધી રહી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ નજીક ખોડિયાર મંદિર પાસે બે મિત્રો ઊભા હતા, ત્યારે અચાનક ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ‘હું આ વિસ્તારનો દાદા છું, હું કહું એમ જ થશે’ કહીને આતંક મચાવ્યો હતો અને ત્યાં ઊભેલા લોકો પર તૂટી પડ્યા હતા.
આ હુમલા દરમિયાન ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ નામના શખ્સ અને તેના સાથીદારોએ બે યુવકોના ગાલના ભાગે છરાના ગંભીર ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે બંને યુવકો લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
આ હિંસક બનાવ અંગે ભોગ બનનાર યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. લુખ્ખા તત્વોને ઝડપી પાડવા માટે પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.



