અમેરિકા-ઈઝરાયલની સાથે સાઉદીએ પણ કર્યા હતા ઈરાન પર હુમલા, દુનિયાને ભણક નહોતી લાગી | Saudi Arabia’s Secret Air Strikes on Iran Revealed: Retaliation During Gulf Conflict

![]()
Saudi Arabia’s Secret Air Strikes on Iran : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધી પરોક્ષ રીતે સામેલ ગણાતા સાઉદી અરેબિયાએ ઈરાન પર સીધા હવાઈ હુમલા કર્યા હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, સાઉદી એરફોર્સે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા હતા.
શા માટે કરાયા સીક્રેટ હુમલા?
રિપોર્ટમાં પશ્ચિમી અને ઈરાની અધિકારીઓના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આ હુમલા સાઉદી અરેબિયા પર થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ઈરાન એવા તમામ ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું હતું જ્યાં અમેરિકન સૈન્ય મથકો હતા, ત્યારે સાઉદીએ પોતાની સુરક્ષા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું.
હુમલા બાદ તણાવમાં ઘટાડો
રસપ્રદ વાત એ છે કે, સાઉદી અરેબિયાએ આ હુમલાઓ વિશે ઈરાનને અગાઉથી જાણ કરી દીધી હોવાનો પણ દાવો કરાયો છે. આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત તેજ થઈ હતી. આંકડાઓ મુજબ, 25 થી 31 માર્ચ વચ્ચે સાઉદી પર 105 થી વધુ હુમલા થયા હતા, જે સાઉદીના વળતા પ્રહાર બાદ 1 થી 6 એપ્રિલ વચ્ચે ઘટીને માત્ર 25 રહી ગયા હતા. આ દર્શાવે છે કે સાઉદીના આક્રમક વલણ બાદ ઈરાને સીધા હુમલા ઘટાડી દીધા હતા.
યુએઈ પર પણ લાગ્યા આરોપ
માત્ર સાઉદી જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ ઈરાન વિરુદ્ધ ગુપ્ત હુમલા કરવાના આરોપો લાગ્યા છે. જોકે, આ મામલે સાઉદી કે ઈરાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ખુલાસાથી સાબિત થાય છે કે ઈરાન યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ચૂક્યું છે.



