અમેરિકાએ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી | Iran threatens to build nuclear bomb if US attacks

![]()
– ઇરાન પાસે 60 ટકા સંવર્ધિત યુરેનિયમ હોવાની સંભાવના
– ટ્રમ્પે ઇરાનની દરખાસ્તને કચરો કહીને ફગાવી દીધી, અમારો પ્રસ્તાવ માન્યા વગર છૂટકો જ નથી તેવો ઇરાનનો દાવો
– કુવૈતનો ચોંકાવનારો દાવો ઃ ઇરાને અમારા ટાપુ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો
– પાકિસ્તાને ઇરાનના લશ્કરી વિમાન તેના નૂરખાન બેઝ પર છૂપાવ્યા હોવાના અહેવાલથી અમેરિકા લાલઘૂમ
તહેરાન,વોશિંગ્ટન: ઇરાને ધમકી આપી છે કે જો અમેરિકાએ હવે હુમલો કર્યો તો તેના જવાબમાઁ ઇરાન પરમાણુ બોમ્બ બનાવશે, ઇરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈએ આ ધમકી આપી છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાન ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમને ૯૦ ટકા સુધી સંવર્ધિત કરીને પરમાણુ બોમ્બ બનાવશે. હાલમાં ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત ૪૦૦ કિલોગ્રામ યુરેનિયમ છે, તેનું શું થયું તેની કોઈને ખબર નથી.
અમેરિકન જાસૂસી એજન્સીઓની સમીક્ષા મુજબ જ્યાં સુધી અત્યંત સવર્ધિત યુરેનિયમના ભંડારને હટાવવામાં આવશે નહીં ત્યાં સુધી ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર કોઈ અસર નહીં પડે. ઇરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિફે જણાવ્યું હતું કે અમેરિકા પાસે અમારે ૧૪ સૂત્રીય પ્રસ્તાવમાં બતાવવામાં આવેલા ઇરાનની પ્રજાના અધિકારોને સ્વીકારવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. તેઓ તેમા જેટલો વિલંબ કરશે તેટલી કિંમત અમેરિકન કરદાતાએ ચૂકવવી પડશે.
અગાઉ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને મોકલેલા શાંતિ દરખાસ્તોને કચરા પેટી યોગ્ય કહેતા, મધ્યપૂર્વથી શાંતિ સ્થપાવાની આશા ઓસરી રહી છે.
અમેરિકા-ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન થયેલા એક રહસ્યોદઘાટનથી પાક.ની ભૂમિકા પર ગંભીર સવાલો સર્જાયા છે. પાક.ના પર તેના નૂરખાન અરબેઝનો ઉપયોગ ઇરાનના લશ્કરી વિમાનોને અમેરિકાના હુમલાથી બચવા માટે રક્ષણ આપવા માટે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાકે. ઇરાનના વિમાનોને અમેરિકાના સંભવિત હુમલાથી બચવા તેના એરબેઝ પર જગ્યા આપી હોવાનું કહેવાય છે. આના પગલે અમેરિકા ગુસ્સામાં છે. પાકે. તેના અંગે કરેલો બચાવ અમેરિકાના ગળે ઉતરતો નથી, કારણ કે અગાઉ લાદેન પણ પાકિસ્તાનમાંથી જ મળી આવ્યો હતો. આ દરમિયાન કુવૈતે ઇરાન પર આરોપ લગાવ્યો છે કે તેણે મધ્યપૂર્વમાં આવેલા તેના નાનાં-નાના ટાપુ કબ્જે કરવા માટે તેના રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડોની ટુકડી મોકલી છે. રિવોલ્યુશનરી ગાર્ડની છ સભ્યોની ટુકડીએ પર્સિયન ગલ્ફમાં બુબિયન ટાપુમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. ઇરાને કુવૈતના આરોપનો કોઈ તાત્કાલિક જવાબ આપ્યો નથી. બીજી બાજુએ ઇઝરાયેલે યુએઇને ઇરાનના પ્રહારોથી બચાવવા માટે આયર્ન ડોમ પૂરુ પાડયુ છે અને તેની બેટરી મોકલી છે અને તેના સંચાલન માટે તાલીમ પામેલા સૈનિકો પણ મોકલ્યા છે. જ્યારે બહેરીને ઇરાન માટે જાસૂસી કરવાના આરોપસર બે ડઝનથી વધુ લોકોને સજા કરી છે. બ્રિટને યુકેમાં ઇરાનને સમર્થન કરતી વ્યક્તિઓ અને કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.



