અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામે | Truck Driver Drags Bike Rider Family for 70 Meters in Ahmedabad Horror Crash

![]()
Ahmedabad Juhapura Accident: અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક બેફામ બનેલા ટ્રકચાલકે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધા બાઈકને અંદાજે 60થી 70 મીટર સુધી ઢસડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
નશાની હાલતમાં હતો ટ્રક ચાલક?
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકોએ ભારે બૂમાબૂમ કરી ટ્રકચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, હાઈવે પર ઓવર બ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર પાણી ભરાયેલું હતું, જેના કારણે વાહન સ્લિપ થતા અકસ્માત સર્જાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. વેજલપુર પોલીસે તાત્કાલિક પહોંચીને ટોળાને વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
અકસ્માતનો ભોગ બનેલા પરિવારને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એ જણાવ્યું કે, ખાડામાં યુવક ખાબકતા ટ્રકમાં ફસાયો હતો અને થોડીક દૂર સુધી ખસેડાયો હતો. આ અંગેની જાણ ટ્રકચાલકને થતા તેને તરત જ ટ્રક રોકી દીધી હતી. આ પછી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.’ નોંધનીય છે કે, આ અંગે ઇજાગ્રસ્ત યુવક દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.



