મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે પ્રમુખ ટ્રમ્પ કાલથી ત્રણ દિવસના ચીન પ્રવાસે | President Trump to visit China for three days from tomorrow amid war in the Middle East

![]()
– ચીનનો અમેરિકા સાથે વાતચીતનો મુખ્ય મુદ્દો તાઇવાન રહેશે
– ટ્રમ્પના પ્રવાસ પૂર્વે જ ચીનના એડમિરલની અમેરિકાને ઇરાન સાથેની ઘેરાબંધીને લઈને આકરી ચેતવણી
બૈજિંગ : ચીનના પ્રમુખ જિનપિંગના આમંત્રણના પગલે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની મુલાકાતે જવાના છે. તેઓ ૧૩,૧૪,૧૫ મે એમ ત્રણ દિવસ માટે ચીનનો પ્રવાસ ખેડશે. કોઈપણ અમેરિકન પ્રમુખનો નવ વર્ષમાં ચીનનો પ્રથમ પ્રવાસ હશે. છેલ્લે પણ ટ્રમ્પે ૨૦૧૭માં તેમની પહેલી ટર્મમાં ચીનનો પ્રવાસ ખેડયો હતો. અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સાથે ચાલતા યુદ્ધની વચ્ચે આ મુલાકાત યોજાઈ રહી છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશોના રાજકીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે. સહજ છે કે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ, વૈશ્વિક પરિસ્થિતિ આપસી હીતો અને મહત્વના દ્વિપક્ષીય સંબંધો અંગે સવિસ્તર ચર્ચા કરવાના છે. તેમજ આ મુલાકાત દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ચીન-યુએસના સંવાદનું એક નવું પ્રકરણ શરૂ કરવા માગે છે.આખા વિશ્વની નજર આ પ્રવાસ પર છે. ઇરાન-ચીન વચ્ચે ગાઢ સંબંધો હોવાથી ટ્રમ્પની ચીન મુલાકાતથી મધ્યપૂર્વની આગની જ્વાળા શાંત થશે કે નહીં તેવો સવાલ આખા વિશ્વને છે.
આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે ચીનના એક સીનીયર અધિકારીએ અમેરિકાને ચેતવણી આપી હતી કે તે હોર્મુઝ ફરતી નાકાબંધી ન કરે, અને ચીન-ઈરાનના સંબંધોમાં દખલ ન કરે. ચીનના એડમિરલ ડોંગ જૂ એ આ ચેતવણી આપી હતી. ચીન તેની જરૂરિયાતનું ૪૦ ટકા તેલ ઇરાનમાંથી આયાત કરે છે. ૩૦ ટકા એલએનજી આયાત કરે છે. જ્યારે અમેરિકાની હાલની ઘેરાબંધીના કારણે તેના પુરવઠામાં અવરોધ સર્જાઈ રહ્યો છે. જો કે અહીં જિનપિંગ કરતાં ટ્રમ્પને આ મુલાકાતની ઉતાવળ વધારે છે.
ટ્રમ્પની મુલાકાત પહેલાં જ ચીને સ્પષ્ટ કર્યુ છે કે અમેરિકા તાઇવાનને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોને જણાવ્યું હતું કે અમેરિકાએ સ્વશાસિત તાઇવાન અંગે યોગ્ય પસંદગી કરવી જોઈએ. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો હિસ્સો છે અને તે તેના પર લશ્કરી દબાણ વધી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે અમેરિકા-ચીન વચ્ચેના રાજકીય સંબંધોનો આધાર જ તાઇવાન છે. તાઇવાન ચીનના સૌથી મહત્ત્વના હિતોમાંનું એક છે.
અમેરિકાએ બૈજિંગની સરકારને માન્યતા આપી છે, પરંતુ તેણે વર્તમાન સ્થિતિ એકપક્ષીય ધોરણે બદલવાની ધરાર ના પાડી છે. તેણે તાઇવાનની સાથે સંબંધો જાળવી રાખીને તેને ડિફેન્સ સપોર્ટ પણ આપ્યો છે. આ સિવાય બીજા મહત્ત્વના મુદ્દાઓમાં ટેરિફ, એઆઈ ચિપ નિયંત્રણ અને ક્રિટિકલ મિનરલ્સનો પણ સમાવેશ થાય છે.
ભારતની વાત લઈએ તો હજી સુધી અમેરિકા ભારતને ચીન સામેનાં કાઉન્ટર વેઈટ તરીકે માનતું આવ્યું છે. ક્વૉડ દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર પણ થાય છે. હવે જો ચીન સાથે અમેરિકાના સંબંધો મજબૂત બને તો ભારતને બંને રીતે મુશ્કેલી થાય તેમ છે.



