હોર્મુઝમાં 20,000 ભારતીય નાવિકો ફસાયા | 20 000 Indian sailors stranded in Hormuz

![]()
– ઈરાને પાકિસ્તાન મારફત અમેરિકન શાંતિ પ્રસ્તાવનો જવાબ મોકલ્યો
– હોર્મુઝની ખાડીમાં અમેરિકાની નાકાબંધીથી ઈરાનમાં ક્રુડની સંગ્રહ ક્ષમતા ખતમ થતાં ઓઈલ દરિયામાં વહાવાતું હોવાની આશંકા
– ઈરાની ઓઈલ ટેન્કરો અથવા વ્યાપારિક જહાજો પર હુમલા થશે તો નિર્ણાયક જવાબ અપાશે :આઈઆરજીસી
દુબઈ/તહેરાન: મધ્ય-પૂર્વમાં યુદ્ધનો કાયમી અંત લાવવા માટે અમેરિકાના ૧૪ મુદ્દાના પ્રસ્તાવનો જવાબ ઈરાને મોકલી દીધો છે. ઈરાને રવિવારે કહ્યું કે, તેમણે પાકિસ્તાન મારફત તેમનો જવાબ અમેરિકાને પહોંચાડયો છે. પાકિસ્તાને પણ તેને જવાબ મળી ગયો હોવાની ખાતરી કરી છે. બીજીબાજુ ઈરાનની ટોચની સૈન્ય લીડરશિપ ટીમની સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે બેઠક પછી ઈરાની સેનાને નવા રણનીતિક નિર્દેશો અપાયા છે, જેથી મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધ વકરવાની આશંકા છે. આવા સમયે હોર્મુઝની ખાડીમાં ૨૦,૦૦૦ ભારતીય નાવિકો ફસાયા છે, જેમને સલામત બહાર કાઢવા કેન્દ્ર સરકારને મદદ કરવા માટે એનયુએસઆઈએ વિનંતી કરી છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીય નાવિકો ફસાયા છે. નેશનલ યુનિયન ઓફ સીફેયર્સ ઓફ ઈન્ડિયા (એનયુએસઆઈ) ના મહાસચિવ મિલિંદ કંદલગાંવકરે ચેતવણી આપી છે કે યુદ્ધ વધવાની સ્થિતિમાં જહાજો પર તૈનાત ભારતીય નાવિકો ભોજન, દવાઓ અને સલામત બહાર નહીં નિકળી શકવાના કારણે ફસાઈ ગયા છે. યુનિયને કેન્દ્ર સરકારને આ સ્થિતિને રાષ્ટ્રીય પ્રાથમિક્તા માનતા તાત્કાલિક નાવિકોને ત્યાંથી બહાર કાઢવાની માગણી કરી છે. ખાડી ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભારતીય નાવિકો સતત મિસાઈલ, ડ્રોન હુમલા, સાઈબર જોખમો અને સુરક્ષા પ્રતિબંધો વચ્ચે કામ કરી રહ્યા છે, જેથી તેમના માનસિક તણાવ અને ભયમાં વધારો થયો છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી મુજબ મધ્ય-પૂર્વમાં લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સહિત દરેક મોરચા પર યુદ્ધનો અંત લાવવા અને તેના જહાજોના સુરક્ષિત પરિવહન માટે અમેરિકાએ આપેલા ૧૪ મુદ્દાના પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન મારફત આપી દેવાયો છે. આ સાથે મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદથી ક્યાંય જાહેરમાં નહીં દેખાયેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે ઈરાનના સશસ્ત્ર બળોની યુનિફાઈડ કમાન્ડના પ્રમુખ અલી અબ્દોલ્લાહીએ બેઠક કરી હતી અને ખાડી ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ, સૈન્ય તૈયારીઓ અને વર્તમાન તણાવ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. ત્યાર પછી ઈરાની સેનાને નવા રણનીતિક નિર્દેશો અપાયા છે.
ઈરાનની સેનાને અપાયેલા નિર્દેશોમાં દુશ્મનો પર દબાણ જાળવી રાખવા અને ત્વરિત પ્રતિક્રિયા ક્ષમતા મજૂબત કરવા પર ભાર મૂકાયો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપતા કહ્યું કે, ઈરાની ઓઈલ ટેન્કરો અથવા વ્યાપારિક જહાજોને નિશાન બનાવાશે તો ઉગ્રતા, કઠોર અને નિર્ણાયક જવાબ અપાશે. અમેરિકાના પ્રાદેશિક હિતો પર વ્યાપક સ્તરે હુમલા કરાશે.
દરમિયાન ઈરાનમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સતત ચાલુ છ. ઇરાન દૈનિક ૩૦ લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે અને તેની નિકાસ ખાર્ગ ટાપુથી થાય છે. પરંતુ અમેરિકાની નાકાબંધીને લીધે ઇરાનનાં ટેન્કરો, પર્શિયન ગલ્ફમાંથી બહાર નીકળી શક્તાં નથી. પરિણામે ઇરાન સમક્ષ ક્રૂડના સંગ્રહનું ગંભીર સંકટ ઊભું થયું છે, અને ખર્ગ ટાપુ ઉપર જ ક્રૂડ જમા થતું જાય છે. ઈરાનની ઓઈલના સંગ્રહની ક્ષમતા ખતમ થઈ ગઈ હોવાથી તે હવે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ દરિયામાં વહાવી રહ્યું હોવાની અટકળો થવા લાગી



