થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks Out at Tharad Referral Hospital Construction Site

![]()
Fire Incident In Tharad: થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શન કામ દરમિયાન આજે(10 મે) અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોસ્પિટલના ખાલી પ્લોટ વિસ્તારમાં કન્ટ્રક્શન માટેનો વિવિધ સામાન મુકવામાં આવ્યો હતો અને તેની બાજુમાં વીજ વિભાગની ડીપી આવેલી હતી.
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ
આ દરમિયાન જીઈબીના વધુ પડતાં લોડના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં તિખારા થતાં નજીકમાં પડેલા કન્ટ્રક્શનના સામાનમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાથી ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનામાં કન્ટ્રક્શન માટેનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આગના બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બીજી તરફ, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવા છતાં સમયસર ફાયર સેફ્ટી ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ફાયર સેફ્ટીના વાહનમાં રહેલું પાણી પણ પૂરું થઈ જતાં આગ વધુ વિકરાળ બની હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને લઈને હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી.

