દારુ અને હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડો | Police raid on alcohol and hookah party

![]()
જેતલપુરના એરીસ રિટ્રીટ ફ્લેટમાં ચાલતી દારુ અને હુક્કાની મહેફિલ પર અકોટા પોલીસની ટીમે દરોડો પાડી એક યુવતી સહિત ચારને ઝડપી પાડ્યા છે.
ફરિયાદ મુજબ, ગઈકાલે શનિવારે રાત્રે ૩ વાગ્યે જેતલપુર ચીકુવાડી પાસે એરીસ રિટ્રીટના ફ્લેટ નંબર ૧૦૧માં એક મહિલા તેના મિત્રો સાથે દારુની મહેફિલ માણી રહી હોવાની માહિતીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ વખતે ફ્લેટમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓ હાજર હોઈ ટેબલ પર વિદેશી દારુની બોટલ, હુક્કો અને હુક્કાના ફ્લેવર મળી આવ્યા હતાં.
વ્રુશાન દિલીપસિંહ ગોહિલ (રહે. અમીનનગર સોસાયટી,છાણી), સાહિલ ઈમ્તિયાઝ પટેલ (રહે.ખુશ્બુનગર, તાંદળજા)નશાની હાલતમાં હતાં, જ્યારે ફૈઝાન યુસુફખાન (રહે. તાજ રેસિડેન્સી,તાંદળજા) અને પ્રશિકા અમિત શિવા(રહે.એરીસ રિટ્રીટ, જેતલપુર /મૂળ પશ્વિમ બંગાળ)એ નશો કર્યો ન હતો.
ઝડપાયેલી યુવતીએ આફ્લેટ ભાડે રાખ્યો હોઈ તેણે મિત્રોને બોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારુની બોટલ, હુક્કો, ફ્લેવર સહિત કુલ રૂા.૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે પ્રોહિબિશનની ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

