गुजरात

ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya’s ship sank in indiscriminate firing between Iran and America: Sailor dies



સંવેદનશીલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દુર્ઘટના દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-૧’ પર બોમ્બર ડ્રોન ખાબક્યું, : 17 ખલાસીનો આબાદ બચાવ : તમામને દૂબઈ લઈ જવાયા

સલાયા, : અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા ભયાનક યુધ્ધના કારણે પશ્ચિમ એશિયાના સમુદ્રી માર્ગો પર વધતા તણાવ વચ્ચે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સંવેદનશીલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી પસાર થઈ રહેલા જામનગર જિલ્લાના સલાયાના એક માલવાહક વહાણને ઈરાન અને અમેરિકાના નૌકાદળ વચ્ચે થયેલા ભીષણ ક્રોસ ફાયરિંગનો ભોગ બનવું પડયું છે. આ ઘટનામાં વહાણ પર બોમ્બર ડ્રોન પડતા તે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું અને સલાયાના યુવાન ખલાસીએ જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સલાયાનું ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ નામનું વહાણ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. ગત 7 મેના રોજ જ્યારે આ વહાણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની નૌકાદળ અને યુ.એસ. નેવી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક ડ્રોન સીધું વહાણની ડ્રાઇવિંગ કેબિન અને એન્જિન રૂમ પર ખાબક્યું હતું. ડ્રોન હુમલા અને ફાયરિંગને કારણે વહાણમાં ગાબડાં પડયા હતા અને જોતજોતામાં વહાણ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.

આ કમનસીબ ઘટના વખતે વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. વહાણમાં ટંડેલ સહિત કુલ 18 સભ્યો સવાર હતા. અન્ય 17 ખલાસીઓએ જીવ બચાવવા માટે સમુદ્રમાં ઝંપલાવ્યું હતું, જેમને ઈજાઓ પહોંચી છે. સદનસીબે, નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે આ તમામ 17 સભ્યોને બચાવી લીધા હતા અને આજે તા. 8મેના રોજ તેમને સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચાડયા હતા



Source link

Related Articles

Back to top button