પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed chases lion away: Video goes viral

![]()
જંગલ ટુંકુ પડતું હોવાથી સિંહો બિચારા બની રહ્યા છે : એક ACF અને ત્રણ RFOની તપાસ કમિટી બનાવી : તાત્કાલીક આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન
જૂનાગઢ, અમરેલી, : ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહની પજવણીનો એક અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં કેટલાક અસામાજિક તત્વો વાહન વડે સિંહનો પીછો કરી તેને ભયભીત અવસ્થામાં દોડાવતા નજરે પડે છે. વન્યજીવ સંરક્ષણ ધારાના ઉલ્લંઘન સમાન આ ઘટનાને ગંભીરતાથી લઈ નાયબ વન સંરક્ષક, બૃહદ ગીર, વન્યપ્રાણી રક્ષણ ટાસ્ક ફોર્સ, જૂનાગઢ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે.
વનવિભાગ દ્વારા તપાસ માટે સ્પેશિયલ ટીમની નિમણૂક કરવામાં આવી છે. સિંહની પજવણી કરનાર જવાબદારોને કાયદાના શિકંજામાં લેવા માટે મદદનીશ વન સંરક્ષક – ઉનાને તપાસનીશ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સહાય માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ટાસ્ક ફોર્સ, જૂનાગઢ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મોબાઈલ સ્ક્વોડ ખાંભા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગીર ગઢડાની નિમણૂક કરવામાં આવી છે.
આ તપાસ ટીમ જે-તે વિસ્તારના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે સંકલન સાધીને પુરાવા એકત્રિત કરશે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિંહ એ ગુજરાતનું ગૌરવ છે અને તેમની પજવણી કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સિંહની શાંતિમાં ખલેલ પહોંચાડવી એ ગુનો છે. વાયરલ વીડિયોના આધારે તપાસ તેજ કરવામાં આવી છે



