જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાના બનાવમાં પકડાયેલો આરોપી એક દિવસના રિમાન્ડ પર : મૃતકનો મોબાઈલ ફોન શોધવા પોલીસની કવાયત | Jamnagar Police trying to find deceased’s mobile phone in murder case

![]()
Jamnagar Crime : જામનગર શહેરમાં સુભાષ બ્રિજ નજીક રંગમતી નદીના કાંઠે એક માછલીના વિક્રેતા રિક્ષા ચાલકની લૂંટના ઇરાદે હત્યા કરાઈ હતી, જે હત્યાના ભેદ પોલીસે ઉકેલી નાખી એક આરોપીને ઝડપી લીધો હતો, જેને એક દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જ્યારે રિમાન્ડ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન આરોપીએ નદીમાં ફેંકી દીધો હોવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લઈને પોલીસ દ્વારા મોબાઈલ ફોનને શોધવા માટેની કવાયત ધરાઈ છે, જોકે કશું હાથ લાગ્યું નથી.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અસગર ઇસમાઇલ કેર દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂનભાઈ કેરની અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર બનાવના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા ઈસ્માઈલ ભાઈ કેર નામના રીક્ષાચાલકની હત્યાના પ્રકરણમાં તેના જ પરિચિત એવા જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતા મહેબુબ મહમદહુસેન સચડાને ઝડપી પાડ્યો હતો. આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી સીટી એ.ડિવિઝનની પોલીસ ટીમે એક દિવસના રિમાન્ડ પર લીધો હતો, અને ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ હતી. દરમિયાન તેણે લુંટેલો મોબાઇલ ફોન સુભાષ બ્રિજ નીચેની નદીના પાણીમાં ફેંકી દીધો હોવાનું કબુલ્યું હતું.
જેથી આજે સવારે મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી, અને પોલીસે આરોપીને સાથે રાખીને રંગમતી નદીનું પાણી ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર શાખાની ટુકડીએ રંગમતી નદીમાં મોબાઈલ ફોન શોધવા માટેની કવાયત કરી હતી, જોકે હજુ સુધી મોબાઈલ ફોન સાંપડ્યો નથી, અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.


