ધનુષે યોગગુરુ પ્રમોદના નોટ કૌભાંડની રીલ્સ જોઇ ડુપ્લિકેટ નોટોનો વેપલો શરૃ કર્યો,વિદ્યાર્થી મિત્રો પણ ફસાયા | Dhanush started selling duplicate notes after watching the reels of yoga guru Pramod’s note scam

![]()
વડોદરાઃ ડુપ્લિકેટ ચલણી નોટોના પ્રકરણમાં પકડાયેલા છ યુવકો પૈકી ચાર જણા ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓ છે,જેઓ મોરબીના મિત્ર ધનુષના લખપતિ બનવાના સપનામાં સામેલ થયા હતા.એસઓજીએ તમામ છ જણાને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે.
વાઘોડિયારોડની એચડીએફસી બેન્કમાં વલસાડના સાગર મારુ નામના વિદ્યાર્થીના ખાતામાં જમા થયેલી રૃ.૫૦૦ની ૨૦ નોટો પરથી એસઓજીની ટીમે ડુપ્લિકેટ નોટોના કૌભાંડનો પર્દાફાશ કરી એક પછી એક છ જણાને ઝડપી પાડયા હતા.
પકડાયેલાઓમાં મોરબીનો ભાવેશ નિલકમલ શર્મા વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં એમબીએ તેમજ તીર્થ વિનોદ લીખીયા(મોરબી) અને નિસર્ગ દિનેશ પટેલ (વલસાડ)પારુલ યુનિ.માં બીબીએમાં અભ્યાસ કરી રહ્યા છે.જ્યારે સાગર રમેશ મારુ વલસાડની એનએચ શાહ કોલેજમાં અભ્યાસ કરે છે.
મોરબીનો વતની ધનુષ પ્રકાશ હેલ્લીકરી કોલેજમાં એડમિશન લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે અને તેને લખપતિ બનવાના સપના સાકાર કરવા હતા.જેથી તાજેતરમાં સુરતનો યોગગુરૃ પ્રદીપ જોટાંગિયા ડુપ્લિકેટ નોટો છાપવાના કાંડમાં પકડાતાં તેની રીલ જોઇને ધનુષે રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર મનોહર ઉર્ફે મુન્નાને વાત કરી હતી.
મુન્નાએ ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરી તેના એજન્ટ અક્ષયને આપી હતી.ત્યારબાદ ધનુષ અને ભાવેશે ૨૬મી એપ્રિલે રાજસ્થાન જઇ અક્ષય ગોેયલને રૃ.૫૦ હજારની અસલી નોટો આપી ૧ લાખની જાલી નોટો લીધી હતી.ધનુષે આ નોટો તેના મિત્રોને પધરાવી દેતાં તમામ પકડાઇ ગયા છે.
વિદ્યાર્થીઓએ અગાઉ કેટલી ખેપ મારી હતી તેની તપાસ,મુન્ના પાસે રાઝ ખૂલશે
ડુપ્લિકેટ નોટો મેળવીને રાતોરાત ધનવાન બનવાના સપના જોતા વિદ્યાર્થીઓએ અગાઉ રાજસ્થાનની ખેપ મારી હતી કે કેમ તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
ડુપ્લિકેટ નોટો મેળવીને એકના ડબલ કરનાર છ આરોપીમાં ખાનગી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ પણ સામેલ છે.જેથી રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અગાઉ કેટલી વખત ખેપ મારી હતી તે બાબતે એસઓજીના પીએસઆઇ આરએચ સિધિ પૂછપરછ કરી રહ્યા છે.
પોલીસના કહ્યા મુજબ,સાગરે પોતાના ખાતામાં ડુપ્લિકેટ નોટો જમા કરાવી સ્લીપમાં પોતાનું નામ અને નંબર પણ લખતાં ભાંડો ફૂટયો હતો.જેથી નોટો આપનાર રાજસ્થાનનો મુન્નો પકડાય એ પછી મોટું રાઝ ખૂલશે.

