ટ્રમ્પનો જર્મની પર ડબલ એટેક: સૈનિકો પાછા ખેંચ્યા, હવે કાર પર નાખ્યો 25 ટકા ટેરિફ | America Germany Controversy trump germany double attack troop withdrawal car tariff

![]()
America Germany Controversy: જર્મનીને લઈને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ફરી એકવાર કડક દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે 5 હજાર અમેરિકન સૈનિકોને પરત બોલાવવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે, તે બાદ આગળ જતાં મોટી સંખ્યામાં સૈનિકોને પરત બોલાવવામાં આવશે તેવો પણ દાવો કર્યો છે. આ અગાઉ ટ્રમ્પે યુરોપિયન યુનિયનની કારો અને ટ્રકો પર 25 ટકા ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરી, બંને નિર્ણયની અસર યુરોપિયન દેશોમાં ખાસ કરીને જર્મની પર વધુ પડી શકે છે.
જર્મનીમાં અમેરિકન સેનામાં મોટો કાપ કરીશું: ટ્રમ્પ
જોવામાં આવે તો ટ્રમ્પની નારાજગીનું કારણ વેપારી કરારોનું યોગ્ય રીતે પાલન ન થવું છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે કે યુરોપિયન યુનિયને વચનો નિભાવ્યા નથી, તેથી હવે આવતા અઠવાડિયેથી ત્યાં બનતી કારો અને ટ્રકો પર 25% ટેક્સ લગાવવામાં આવશે. જર્મની, જે વાહનોના ઉત્પાદન માટે જાણીતું છે, તેના માટે આ નિર્ણય મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ આખો મામલો ફ્લોરિડામાં સામે આવ્યો, જ્યાં પત્રકારોના સવાલ પર ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘5 હજારનો આંકડો તો ઘણો નાનો છે, અમે તેનાથી ઘણા વધુ સૈનિકોની રજા કરવાના છીએ અને સેનામાં મોટો કાપ કરીશું.’
રશિયાની તાકાત વધશે, ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ
નવાઈની વાત એ છે કે ખુદ પેન્ટાગોને પહેલા માત્ર 5 હજાર સૈનિકોની વાત કરી હતી, પરંતુ ટ્રમ્પના આ હાલના નિવેદને સૌને વિચારમાં મૂકી દીધા છે. અમેરિકાની અંદર પણ આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે. ઘણા મોટા નેતાઓનું માનવું છે કે જો અમેરિકન સૈનિકો જર્મની છોડીને જતા રહેશે, તો રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિનને પોતાની તાકાત બતાવવાની ખુલ્લી તક મળી જશે. ખાસ કરીને ત્યારે, જ્યારે યુક્રેન અને રશિયાના યુદ્ધને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.
યુરોપિયન દેશો એકલા પડી જશે?
જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે આ મુદ્દા પર ખૂબ જ શાંત રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સૈનિકોને પાછા બોલાવવાની વાત તો ટ્રમ્પ વર્ષોથી કરી રહ્યા હતા, તેથી આ કોઈ નવી વાત નથી. તેમનું માનવું છે કે હવે યુરોપના દેશોએ પોતે પોતાની સુરક્ષા માટે આગળ આવવું પડશે અને પોતાની જવાબદારી જાતે સંભાળવી પડશે. જો કે તેમણે એ પણ યાદ અપાવ્યું કે અમેરિકન સૈનિકોનું જર્મનીમાં હોવું માત્ર અમારા માટે જ નહીં, પરંતુ ખુદ અમેરિકાના ફાયદા માટે પણ છે.
જર્મનીમાં અંદાજે 36,000 અમેરિકન સૈનિકો તૈનાત
પેન્ટાગોનનું માનીએ તો આ સૈનિકોની વાપસી આગામી 6 થી 12 મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવશે. હાલમાં જર્મનીમાં અંદાજે 36,000 અમેરિકન સૈનિકો તૈનાત છે, જે ત્યાંના મોટા મિલિટરી બેઝ અને એર બેઝની સુરક્ષા સંભાળે છે. જાણકારોનું કહેવું છે કે સૈનિકોનું જવું એક અલગ વાત છે, પરંતુ આ કરવાથી જે દુનિયાને સંદેશ જશે તે ઘણો ગંભીર હોઈ શકે છે. ટ્રમ્પની આ નારાજગી ઈરાનના મામલામાં પણ જોવા મળી રહી છે, જ્યાં તેમને લાગે છે કે યુરોપિયન દેશોએ તેમનો સાથ આપ્યો નથી.
આ પણ વાંચો: હોર્મુઝ બંધ હોવા છતાં કાબૂમાં રહેશે ઓઈલના ભાવ! OPEC+ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત
હવે દરેકની નજર એ વાત પર છે કે ટ્રમ્પનું આ ‘હંટર’ જર્મનીની તિજોરી અને તેની સુરક્ષા પર કેટલું ભારે પડે છે. એક તરફ સૈનિકોની ઘર વાપસીનું દબાણ અને બીજી તરફ કારો પર 25% નો તગડો ટેક્સ, ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે હવે તેઓ ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ માટે કોઈપણ કરારના મૂડમાં નથી. હવે જોવાનું એ રહેશે કે શું આ નિર્ણય બાદ યુરોપ પોતાના દમ પર પોતાની સુરક્ષા કરી શકશે કે પછી તેણે અમેરિકા સામે ઝૂકવું પડશે?



