માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragically die more than 30 injured as bus overturns near Mangrol

![]()
નિલગાય આડે ઉતરતા ચાલકે કાબુ ગુમાવ્યો : ભાવનગરનો સંઘ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો ત્યારે રહીજ નજીક અકસ્માતથી ગમગીની : ઇજાગ્રસ્તને કેશોદ, જૂનાગઢ ખસેડાયા
માંગરોળ, : માંગરોળ તાલુકાના રહીજ ગામ પાસે નિલગાય આડે ઉતરતા બસચાલકે કાબુ ગુમાવ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થયેલા બાઈકચાલકને બચાવવામાં બસ પલ્ટી ગઈ હતી. જેમાં ભાવનગરના બે મહિલા યાત્રાળુના મોત થયા હતા જ્યારે 30થી વધુ યાત્રિકોને ઈજા થતા માંગરોળ ઉપરાંત કેશોદ અને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. જેમાંથી બે-ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતની જાણ થતા માંગરોળના હિન્દુ-મુસ્લિમ યુવાનોએ ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢ્યા હતા જેને 108માં સારવારમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના 40 યાત્રિકો દ્વારકા, સોમનાથના દર્શનાર્થે બસમાં નીકળ્યા હતા. આજે બપોરે આ યાત્રિકો બસમાં દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે માંગરોળ તાલુકા રહીજ નજીક રસ્તામાં એકાએક રોઝડુ ઉતરી આવતા તેને બચાવવાનો મોટરસાયકલ સવારે પ્રયાસ કર્યો હતો અને કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ મોટરસાયકલ ચાલકને બચાવવા જતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા અને હાઈવે ચિચીયારીઓથી ગુંજી ઉઠયો હતો. આ ઘટનાની જાણ થતાં માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પીઆઈ સાકળીયા, મરીન પીઆઈ પી.કે.ચાવડા, શીલ પીઆઈ ચૌધરી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત સ્થાનિકો અને માંગરોળથી હિન્દુ-મુસ્લિમ યુવાનો અકસ્માત સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. પલ્ટી મારી ગયેલી બસને જેસીબીની મદદથી રોડ પર લાવી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડા જેવું જણાતા શોટશકટ કે બસમાં આગ ન લાગે તે માટે બેટરી બહાર કાઢી નાંખવામાં આવી હતી. અકસ્માત સ્થળ નજીક રોઝડુ પણ મૃત હાલતમાં મળ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ શીલના આરોગ્યકર્મીઓ પણ માંગરોળ આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 30થી વધુ યાત્રિકોને માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાં ભાવનગરના તેજુબા ગંભીરદાસ ખડીયા(ઉ.વ. 58) અને જશુબેન ખોડીદાસ મકવાણા(ઉ.વ. 54)ના મોત થયા હતા. જ્યારે 4થી 5 યાત્રિકને ગંભીર ઈજા થઈ હતી. 30થી વધુ યાત્રિકોને માંગરોળ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર કેશોદ અને જૂનાગઢ રિફર કરાયા હતા. જ્યાં ત્રણ જેટલા યાત્રિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
સોમનાથ તથા દ્વારકા દર્શને નીકળેલા ભાવનગરના યાત્રિકોની બસને અકસ્માત થતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી અને તેઓ તાત્કાલીક માંગરોળ તેમજ જૂનાગઢ પહોંચ્યા હતા. આ અંગે માંગરોળ મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઈજાગ્રસ્તોને બસના કાચ તોડી બહાર કાઢવા પડયા
બસ પલ્ટી મારી ગયા બાદ તમામ યાત્રિકો બસની અંદર ફસાઈ ગયા હતા. આ અંગે જાણ થતા આસપાસના લોકો તેમજ માંગરોળના સેવાભાવી યુવાનોએ ઘટના સ્થળે જઈ બસના કાચ તોડી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. 108ને જાણ કરતા 10 જેટલી 108 સ્થળ પર આવી પહોંચી હતી. જેઓને તેમાં માંગરોળ, કેશોદ, જૂનાગઢ ખસેડાયા હતા.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યાત્રિકોના નામ
પ્રવિણાબેન ગઢવી (ઉ.વ. 53), પરીતાબેન હમીરભાઈ(ઉ.વ. 53), રીજુ દેવકુભાઈ (ઉ.વ. 60), રાજેશભાઈ રાવલ (ઉ.વ. 55), ઉષાબેન ગોપીદાન ગઢવી (ઉ.વ. 40), સોનલબેન ગઢવી(ઉ.વ. 33), સરોજબેન ગઢવી (ઉ.વ. 65), અરૂણાબેન રમણીકભાઈ (ઉ.વ. 70), ઈલાબેન મનુભાઈ ગઢવી(ઉ.વ. 40), ઈન્દુબેન ગઢવી(ઉ.વ. 40), હરેશદાન ગઢવી(ઉ.વ. 60), હર્ષીબા (ઉ.વ. 50), ઈન્દુબેન ગઢવી (ઉ.વ. 60), કુંદન કાનજીભાઈ કાકડીયા (ઉ.વ. 63), હંસાબેન જ્યોતિંન્દ્ર ત્રિવેદી (ઉ.વ. 60), રંજનબેન ગઢવી (ઉ.વ. 60), પ્રમોદબા ગઢવી (ઉ.વ. 68), ગાર્ગીબેન ગઢવી, અર્પણ ગઢવી, અન્નપૂર્ણા કેસર ગઢવી (ઉ.વ. 55), આચમનભાઈ બગવદરા(ઉ.વ. 65) સહિત 30 જેટલા યાત્રિકને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.



