गुजरात

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચાલક સામે ગુનો નોંધાયો | Triple accident between rickshaw Eco and Activa near Jamjodhpur: 5 people injured



Jamnagar Accident : જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે ગઈ તા.30/04/2026ના રોજ રાત્રિના સમયે રિક્ષા, ઈકો કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા કુલ પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચવા પામી છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જામજોધપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગજાબી આંબરડી ગામના રહેવાસી અને રિક્ષા ડ્રાઈવર જશવંતભાઈ સોમાભાઈ સાડીયા પોતાના રિક્ષા નંબર જીજે 10 ટીટી 7022 લઈને જામજોધપુર માર્કેટ યાર્ડ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે રિક્ષામાં બે મુસાફરો પણ બેઠેલા હતા. તે દરમિયાન જામજોધપુર તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઈકો કાર નંબર જીજે 37 બી.9253ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફીકરાઈપૂર્વક હંકારતા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કરના કારણે રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓ નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા અને રિક્ષા ચાલક જશવંતભાઈને કપાળના ઉપરના ડાબા ભાગે તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સમયે રિક્ષાની પાછળથી આવી રહેલી એક્ટિવા સ્કૂટર નંબર જીજે 10 સી.પી. 8938 પણ ઈકો કાર સાથે અથડાઈ જતાં તેમાં પાછળ બેઠેલા વ્યક્તિને પગના અંગૂઠાના ભાગે ફેક્ચર સહિત ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત, ઈકો કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા સાધુ વેશ ધારણ કરેલા વ્યક્તિને કમરના ભાગે મણકામાં ફેક્ચર તથા અન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે રિક્ષા ચાલક જશવંતભાઈ સાડીયાએ ઈકો કારના ચાલક સામે બેફામ અને બેદરકાર રીતે વાહન ચલાવી માનવ જીવન જોખમમાં મુકવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button