મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was played for property couple was murdered in a pond by their son & daughter in law

![]()
તળાજામાં દંપતિની સળગેલી હાલતે મળેલી લાશનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્ય ખુલ્યું
તળાજા પોલીસ મથકમાં મામાએ સગ્ગા ભાણેજ અને ભાણેજ વહુ સામે ફરિયાદ નોંધાવી, પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા
તળાજા: તળાજા શહેરમાં ૧૨ દિવસ પૂર્વે અર્ધ સળગેલી હાલતે મળી આવેલા દંપતિના મૃતદેહનું રહસ્ય ખુલ્યું છે. સોની દંપતિનું મોત કોઈ અકસ્માત કે આગ નહી પરંતુ દંપતિના પુત્ર અને પુત્રવધુએ મિલકતના ઝઘડામાં પિતાનું ગળું દબાવીને અને માતાની અન્ય રીતે હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. બનાવ અંગે તળાજા મામાએ તેના સગ્ગા ભાણેજ અને ભાણેજવહુ સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજામાં ગોપાલ વોચ અને જય ગોપાલ જ્વેલર્સ નામે પેઢી ધરાવતા સોની પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્નિ રેખાબેનનો ગત તા.૧૯ના રોજ તેમના ઘરે બેડરૂમમાં અર્ધસળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવની જાણ થતાં તળાજા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રામટેકરી વિસ્તારમાં તેમના ઘરેથી બન્નેના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે ખસેડયો હતો. દંપતિ તેમના ઘરે સુતા હતા ત્યારે આગ લાગવાના કારણે દાઝી ગયા હોવાના મૃતક દંપતિના નિવેદનના આધારે તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સીસીટીવી અને ટેકનિકસ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતદેહોના પીએમ રિપોર્ટમાં કિશોરભાઈનું ગળુ દબાવીને જ્યારે રેખાબેનની અન્ય રીતે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે મૃતક કિશોરભાઈના સાળા અને મૃતક રેખાબેનના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા (રહે.સુરત)ને બોલાવી પીએમ રિપોર્ટ અંગે જણાવતા સગ્ગા મામા રાજેશભાઈએ પોતાના બહેન બનેવીની હત્યા માટે ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેના પત્નિ હેતલબેને સામે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને બનાવને લઈ પહેથી જ શંકા હતી. વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયાની વારંવાર માગણી કરતો હતો. વિમલ ઉપર દેવું વધી જતાં મકાન, દુકાન અને માતા રેખાબેનના ઘરેણાં વેચીને પણ રૂપિયા આપવાની માગણી કરતો હતો. તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી મિલકત પચાવી પાડવા માટે સગ્ગા દીકરાએ માતા-પિતાની હત્યા કરી, બાદમાં લાશ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે. બનાવ અંગે તળાજા પોલીસે બી.એન.એસ કલમ ૧૦૩(૧), ૨૩૮(ચ), ૩(૫) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માતા-પિતાની હત્યાબાદ મિત્રો સાથે ફરવા ગયો હતો
વિમલ અને તેની પત્નિ સાળંગપુરથી રાત્રે દસેક વાગ્યે આવ્યા હતા. એ સમયે વિમલે મિત્રોને રાત્રે ૧૧ વાગ્યા બાદ ચા પીવા જવાનું છે તેમ કહ્યું હતું. ઠંડે કલેજે હત્યા કર્યાં બાદ પુત્ર વિમલ મિત્રો સાથે લગભગ ૧૧.૩૦ના સુમારે ફરવા નીકળી ગયો હતો. રાત્રે લગભગ ૧.૩૦ના સુમારે તેને ઘરે કઈંક બળી રહ્યાનો ફોન આવ્યો હતો. બાદ થોડીવાર રહીને બીજો ફોન આવ્યા બાદ તે મિત્રો સાથે ઘરે તળાજા આવવા રવાના થયો હતો.
સમગ્ર ઘટનાક્રમથી આજાણ હોય તેવું વર્તન
દંપતિના શંકાસ્પદ મોત મામલે ફાયર અને પોલીસ વિભાગ ગત તા.૧૯ની મોડી રાત્રિના ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પોલીસે મૃતક દંપતિના પુત્ર વિમલને સાથે અંદર આવવાનું કહેતા ‘હું નહિ આવું, મને ડર લાગે, હું ન જોઈ શકું’ તેમ કહેલ અને બહાર અંદર શુ બન્યું છે તે વાતથી તે અને તેની પત્ની અજાણ હોવાનું વર્તન રાખ્યું તથા આરોપી હેતલબેન બેભાન થઈ જતી હતી.

