Explainer: અમેરિકન ડૉલરના દબદબાનો અંત? રશિયા-ચીન બાદ હવે દુનિયાભરમાં ‘ડી-ડૉલરાઇઝેશન’ની લહેર | Is The US Dollar Losing Its Dominance Explaining The Global De Dollarization Trend In 2026

![]()
Dollar’s Dominance in the World: ડૉલર એક સમયે વૈશ્વિક અર્થતંત્રનું કેન્દ્ર ગણાતો હતો, તે હવે દબદબો ગુમાવી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન-ઈઝરાયલ તણાવ બાદ ઘણાં દેશો ‘ડી-ડૉલરાઇઝેશન’ એટલે કે ડૉલર વિનાના અર્થતંત્ર તરફ આગળ વધવા પ્રયાસ કરી રહ્યા છે. આ પરિવર્તન અચાનક નથી આવ્યું, પરંતુ છેલ્લા બે દાયકાથી ધીમે ધીમે આ ફેરફારો થઈ રહ્યા છે. જો કે, હવે તેની ઝડપ વધી છે કારણ કે, વધુને વધુ દેશો ડૉલર સિવાયના વિકલ્પો શોધી રહ્યા છે.
ચાલો જાણીએ એક સમયે વિશ્વનું સૌથી મજબૂત ચલણ (કરન્સી) કયા કારણોસર તેનું મહત્ત્વ ગુમાવવા લાગ્યું.
ડી-ડૉલરાઇઝેશનનો અર્થ અને તે માટે પ્રયત્નશીલ દેશો
ડી-ડૉલરાઇઝેશનનો સીધો અર્થ છે આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારોમાં યુએસ ડૉલર પરની નિર્ભરતા ઘટાડવી. આ અભિયાનમાં BRICS (બ્રિક્સ) દેશો સૌથી આગળ છે, જેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુએઈ, ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા પણ સામેલ છે. ભારતના નેતૃત્વ હેઠળ બ્રિક્સે એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે કે, આ જૂથના આંતરિક વેપારમાં 65 ટકા જેટલો વ્યવહાર હવે સ્થાનિક ચલણોમાં જ થાય. ચીન અને રશિયાનો વેપાર યુઆન અને રુબલમાં થઈ રહ્યો છે, જ્યારે ભારત અને રશિયા વચ્ચેનો વેપાર રૂપિયા અને રુબલ એમ સંયુક્ત રીતે થઈ રહ્યો છે.
બ્રિક્સની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, ભારત માટે ‘વીમા પોલિસી’
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા બ્રિક્સ દેશો સાથે મળીને એક સંપૂર્ણપણે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવી રહી છે, જે પશ્ચિમી દેશોની SWIFT બૅંકિંગ સિસ્ટમનો વિકલ્પ હશે. આ વ્યવસ્થા હેઠળ સભ્ય દેશો વચ્ચેના તમામ સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણોમાં જ થશે. આનાથી બે ફાયદા થશે.
– ડૉલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે.
– પશ્ચિમી બૅંકો અને નાણાકીય સંસ્થાઓ પરની નિર્ભરતા ઘટશે.
નિષ્ણાતોના મતે, આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે ‘વીમા પોલિસી’ જેવું કામ કરશે કારણ કે, આપણે ઓઇલ, અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓની આયાત માટે ડૉલર પર નિર્ભર છીએ. બ્રિક્સ દેશો પાસે વિશ્વના 42 ટકા ઓઇલ અને 40 ટકા અનાજનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવાથી આ જૂથ આર્થિક રીતે ખૂબ સશક્ત છે.
આ પણ વાંચો : અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ
રશિયા પરના પ્રતિબંધોએ ડૉલરના એકાધિકારને હચમચાવ્યો
ઓઇલ, કોલસો, કુદરતી ગેસ, અનાજ, ધાતુઓ અને અન્ય કાચા માલ જેવી કોમોડિટીનો વેપાર છેલ્લા ઘણાં દાયકાથી ડૉલરમાં જ થતો હતો, જેને ‘પેટ્રો ડૉલર’ સિસ્ટમ કહેવાય છે. પરંતુ રશિયા સામે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા સખત પ્રતિબંધો બાદ આ સિસ્ટમમાં મોટો ફેરફાર થયો છે. પ્રતિબંધોને લીધે યુરોપિયન દેશોએ રશિયા પાસેથી ઊર્જા ખરીદવાનું બંધ કરી દીધું. એના જવાબમાં રશિયાએ ચીન, ભારત અને અન્ય બ્રિક્સ દેશોને ઊર્જા વેચવાનું ચાલુ રાખ્યું અને એ વેપાર ડૉલરને બદલે યુઆન, રુબલ, રૂપિયા જેવા ચલણો અથવા સોનામાં કર્યો. ઓઇલ અને ગેસ જેવી ઊર્જા કોમોડિટી વિશ્વ વેપારનું સૌથી મોટું અને સૌથી પ્રવાહી બજાર છે. આ બજારમાં ડૉલરનો ઉપયોગ ઘટવાથી ડૉલરની વૈશ્વિક માંગ આપોઆપ ઘટી ગઈ. આમ, પ્રતિબંધોએ રશિયાને વૈકલ્પિક ચલણો અપનાવવા મજબૂર કર્યું, અને તેને પરિણામે ‘પેટ્રો ડૉલર’નો એકાધિકાર હચમચી ગયો.
ચીનનું આક્રમક વલણઃ ‘યુઆન’ અને ‘CIPS’ સિસ્ટમ
ચીન હાલમાં વૈશ્વિક વેપારમાં એક આયોજનબદ્ધ અને આક્રમક ઝુંબેશ ચલાવી રહ્યું છે. તે વધુને વધુ દેશો સાથેનો વેપાર યુઆનમાં જ કરી રહ્યું છે. આ કારણથી જેટલું યુઆન વિદેશોમાં જમા થાય છે, તેટલું તે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બને છે. અમેરિકાએ રશિયાને SWIFT(મોટાભાગના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો જે પશ્ચિમી બૅંકિંગ સિસ્ટમમાં થાય છે)માંથી બહાર કાઢી મૂક્યું. એ પછી ચીનને સમજાયું કે આવતીકાલે તેની સાથે પણ આવું થઈ શકે છે. તેથી ચીને પોતાની અલગ ચૂકવણી સિસ્ટમ ‘CIPS’ (ક્રોસ-બોર્ડર ઇન્ટરબૅંક પેમેન્ટ સિસ્ટમ) વિકસાવી છે. CIPS દ્વારા હવે 100થી વધુ દેશોની સેંકડો બૅંકો જોડાયેલી છે. જ્યારે કોઈ દેશ ચીન સાથે યુઆનમાં વેપાર કરે છે, ત્યારે તમામ ચૂકવણી આ માધ્યમથી થાય છે, જેમાં અમેરિકા કે તેની સિસ્ટમની કોઈ જરૂર રહેતી નથી. ટૂંકમાં, ચીન ડૉલર અને SWIFTની દુનિયામાં એક સમાંતર ચલણ (યુઆન) અને સમાંતર ચૂકવણી સિસ્ટમ (CIPS) ઊભી કરી રહ્યું છે, જે લાંબા ગાળે ડૉલરના વૈશ્વિક દબદબાને ખતમ કરવાની દિશામાં એક મોટું પગલું છે.
આ પણ વાંચો : ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક
ડૉલરના ‘શસ્ત્રીકરણ’ની વધતી ચિંતા
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેઝરી બોન્ડ્સને વિશ્વની સૌથી સલામત સરકારી રોકાણ સંપત્તિ ગણાય છે, જેને અન્ય દેશોની કેન્દ્રીય બૅંકો અને સરકારો (જેને ‘સત્તાવાર સંસ્થાઓ’ કહેવાય છે) મોટા પાયે ખરીદે છે. પરંતુ છેલ્લા 15 વર્ષમાં આ માલિકીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ધમધમતું અમેરિકન અર્થતંત્ર અને ડૉલરના વર્ચસ્વને કારણે એક સમયે વિદેશી સરકારો મોટા પ્રમાણમાં ટ્રેઝરી બોન્ડ્સ ખરીદતી, જે માંગ ઘટી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિદેશી સરકારો હવે એટલા ઉત્સાહપૂર્વક અમેરિકાનું દેવું ખરીદી રહી નથી.
આનું કારણ શું છે? સૌથી મોટું કારણ ડૉલરના ‘શસ્ત્રીકરણ’ની ચિંતા છે. રશિયા સામેના પ્રતિબંધો બાદ જ્યારે અમેરિકાએ રશિયાની 300 અબજ ડૉલરની સંપત્તિ જપ્ત કરી ત્યારે ઘણાં દેશોને સમજાયું કે જો તેમના અમેરિકા સાથે સંબંધો બગડશે તો તેમની ટ્રેઝરી બોન્ડ્સમાં રોકાયેલી સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. તેથી જાપાન, ચીન, ભારત અને ખાડી દેશો જેવા મોટા રોકાણકારોએ પોતાના અનામતમાં વૈવિધ્યતા લાવવાનું શરૂ કર્યું છે. તેઓ હવે સોનું, અન્ય દેશોના બોન્ડ્સ અથવા સ્થાનિક ચલણોમાં વેપાર કરવાનું પસંદ કરી રહ્યા છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સની માંગ સતત ઘટી રહી છે.
યુદ્ધોના કારણે ડૉલરના એકાધિકાર પર અસર
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ડૉલરની નબળાઈને વૈશ્વિક મંચ પર સ્પષ્ટપણે ઉજાગર કરી દીધી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સ, ધ ગાર્ડિયન અને ધ ટેલિગ્રાફ જેવા પ્રતિષ્ઠિત પશ્ચિમી મીડિયાએ પણ સ્વીકાર્યું છે કે ઈરાન યુદ્ધ ડી-ડૉલરાઇઝેશનની પ્રક્રિયાને અભૂતપૂર્વ વેગ આપી રહ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનની ‘રુબલને ભંગારમાં ફેરવી દેવાની’ ધમકી પણ સાચી પડી ન હતી, તેનાથી ઊલટું રશિયાએ વૈકલ્પિક નાણાકીય વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે.
ભારતીય કંપનીઓની ડૉલરને બદલે યુઆનમાં ચૂકવણી
ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે રૅકોર્ડ નીચા સ્તરને પાર કરી ગયો છે અને 95 રૂપિયા પ્રતિ ડૉલરની સીમા વટાવી ગયો છે. આનાથી આયાતકારી કંપનીઓ પર ભારે દબાણ આવ્યું છે કારણ કે, તેમના ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ઘણી ભારતીય કંપનીઓએ ચૂકવણીની વ્યૂહરચના બદલી નાખી છે. ઈલેક્ટ્રોનિક્સ, રિટેલ અને અન્ય ક્ષેત્રોની કંપનીઓ ચીનથી આયાત માટે હવે અમેરિકન ડૉલરને બદલે ચાઇનીઝ યુઆનમાં ચૂકવણી કરી રહી છે. તાજેતરમાં જ ઈરાનથી ઓઇલ ખરીદવા માટે પણ યુઆનનો ઉપયોગ કરાયો હતો. છેલ્લા ચારથી પાંચ મહિનામાં રૂપિયો ડૉલર સામે 4થી 5 ટકા જેટલો નબળો પડ્યો છે, જ્યારે યુઆન સામે તેમાં માત્ર 2 ટકાનો જ ઘટાડો થયો છે. યુઆનની વધુ સ્થિરતાને કારણે કંપનીઓ તેને વધુ પ્રાધાન્ય આપી રહી છે.
ડૉલરના વિકલ્પ તરીકે સોનાનું મહત્ત્વ વધ્યું
ડૉલરની અનિશ્ચિતતા અને વધતા ભૌગોલિક તણાવ વચ્ચે વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બૅંકો પોતાનો સોનાનો સંગ્રહ વધારી રહી છે. ખાસ કરીને ચીન, રશિયા અને તૂર્કિયે જેવા દેશોએ સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 1980ની આસપાસ સોનાનો ભાવ 800 ડૉલર પ્રતિ ઔંસ જેટલો હતો; આજે તે નવી ઐતિહાસિક ઊંચાઈ(4,573 ડૉલર પ્રતિ ઔંસ)એ પહોંચી ગયો છે. કેન્દ્રીય બૅંકો દ્વારા સોનાનો વધતો સંગ્રહ સ્પષ્ટ સંકેત આપે છે કે ડૉલર પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને દેશો પોતાના અનામતમાં વૈવિધ્યતા લાવવા માગે છે.
ફોરેન એક્સચેન્જ અનામતમાં ડૉલરનો હિસ્સો ઘટ્યો
વૈશ્વિક સેન્ટ્રલ બૅંકોના ફોરેન એક્સચેન્જ અનામતમાં ડૉલરનો હિસ્સો છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહ્યો છે. વર્ષ 2000ની આસપાસ જ્યાં ડૉલરનો હિસ્સો લગભગ 70 થી 72 ટકા જેટલો હતો, તે 2026ની શરૂઆતમાં ઘટીને માત્ર 56 થી 57 ટકા રહી ગયો છે. એટલું જ નહીં, અમેરિકન ટ્રેઝરી બોન્ડની વિદેશી માલિકી પણ છેલ્લા પંદર વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટી છે. તેમ છતાં, ડૉલર હજુ પણ વિશ્વના લગભગ 88 થી 89 ટકા ફોરેન એક્સચેન્જ વેપારમાં સામેલ છે. આનો અર્થ એ થયો કે ડૉલરે હજુ સુધી પોતાની પ્રાથમિકતા સંપૂર્ણપણે ગુમાવી નથી, પરંતુ તેની પકડ ઢીલી પડી રહી છે અને આ ઘટાડો આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે તેવી શક્યતા છે.
અંત નથી, પરંતુ એકાધિકારનો અંત ચોક્કસ છે
2026ની શરૂઆતમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ડૉલર હવે ‘એકમાત્ર રાજા’ નથી રહ્યો. રશિયા અને ચીનથી લઈને ભારત, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને ઈજિપ્ત સુધી, દરેક દેશ પોતપોતાના સ્થાનિક ચલણો અને વૈકલ્પિક ચૂકવણી પ્રણાલીઓ તરફ આગળ વધી રહ્યો છે. ડૉલરનું ‘શસ્ત્રીકરણ’, અમેરિકાનું વધતું જાહેર દેવું, અને વારંવાર થતાં ભૌગોલિક તણાવો, એ ડૉલરના દબદબામાં ઘટાડો કરનારા મુખ્ય કારણો છે.
શું ડૉલરનું સંપૂર્ણ પતન શક્ય છે?
નિષ્ણાતોના મતે, ડૉલરનું સંપૂર્ણ પતન એકાએક થશે નહીં, પરંતુ તે એક લાંબી અને ક્રમિક પ્રક્રિયા હશે. હાલના તબક્કે કોઈ પણ એક ચલણ, પછી તે યુરો હોય, યુઆન હોય કે રુબલ, ડૉલરનું સ્થાન સંપૂર્ણપણે નથી લઈ શકતું. તેનું કારણ એ કે, તેમની પાસે વૈશ્વિક વિશ્વસનીયતાનો અભાવ છે. નજીકના ભવિષ્યમાં વિશ્વ એકથી વધુ ચલણની સિસ્ટમ તરફ આગળ વધશે, જ્યાં ડૉલર, યુરો, યુઆન અને અન્ય પ્રાદેશિક ચલણો સાથે મળીને અસ્તિત્વ ધરાવશે. ડૉલર સંપૂર્ણપણે ખતમ નહીં થાય, પરંતુ તેનો દબદબો ચોક્કસ ઘટશે.
ભારત માટે તક કે પડકાર?
ભારત માટે આ પરિસ્થિતિ તક અને પડકાર બંને છે. એક તરફ, બ્રિક્સ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે ‘વીમા પોલિસી’ બની શકે છે, જે તેને પ્રતિબંધો અને ડૉલરની અસ્થિરતા સામે સુરક્ષિત રાખશે. તો બીજી તરફ, ભારત માટે સૌથી મોટો પડકાર એ છે કે તેણે અમેરિકા સાથેના વ્યાપાર અને વ્યૂહાત્મક સંબંધો બગાડ્યા વિના આ નવી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં સંતુલન જાળવવાનું છે.


