दुनिया

અમેરિકા-ઈરાન શાંતિ કરારમાં મોટો ગૂંચવાડો: લેબેનૉન યુદ્ધવિરામ અને અબજો ડૉલરના ફંડ પર અટકી વાત | us iran peace deal details confusion over lebanon Iranian frozen assets



Iran Us Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે કરારની જાહેરાત ભલે થઈ ગઈ હોય, પરંતુ આ ઐતિહાસિક ડીલને લઈને હજી પણ ઘણા મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબો મળવાના બાકી છે. રવિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી અને સોશિયલ મીડિયા પર ‘ક્રૂડનો પ્રવાહ શરૂ થવા દો’ લખીને મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃ સ્થાપિત થવાના સંકેત આપ્યા હતા. પરંતુ વાસ્તવિક ધરાતલ પર આ કહેવું જેટલું સરળ છે, કરવું તેટલું જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આ ડીલ પર પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે કરારમાં રહેલી કેટલીક મોટી કાયદાકીય અને રાજદ્વારી ખામીઓ હવે સપાટી પર આવી રહી છે, જેમાં ખાસ કરીને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો, જપ્ત કરાયેલી સંપત્તિ અને ઈઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષ મુખ્ય છે.

અમેરિકા અને ઈરાન ડીલ વચ્ચે ઈઝરાયલનો અડિંગો

લેબનાનમાં ઈઝરાયલની સતત ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીએ અમેરિકા અને ઈરાન વચ્ચેની આ શાંતિ સમજૂતીને લગભગ પાટા પરથી ઉતારી દીધી હતી. એપ્રિલ મહિનામાં અમેરિકા સાથે થયેલા અસ્થાયી યુદ્ધવિરામની શરૂઆતથી જ ઈરાનની માગ હતી કે લેબનાન સહિતના તમામ મોરચાઓ પર સૈન્ય ગતિવિધિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હોવા છતાં, બંને પક્ષો વચ્ચે હુમલા ચાલુ રહ્યા હતા, જેના લીધે અખાતી પ્રદેશમાં ઈરાની હુમલાઓ ટૂંકા સમય માટે ફરી શરૂ થયા હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પના એક આક્રમક ફોન કોલ પછી આ હુમલા ધીમા પડ્યા હતા, પણ સંપૂર્ણપણે બંધ થયા ન હતા.

ઈઝરાયલ આ શાંતિ કરારથી પોતાને અલગ રાખવાનો કરી રહ્યું છે પ્રયાસ

હવે જ્યારે અમેરિકા-ઈરાન ડીલ ફાઇનલ થઈ છે, જેમાં લેબેનૉનનો પણ સમાવેશ કરાયો હોવાનું મનાય છે, ત્યારે ઈઝરાયલ આ શાંતિ કરારથી પોતાને અલગ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ દાવો કર્યો છે કે લેબેનૉનમાં પણ લડાઈ તરત જ બંધ થઈ જશે, પરંતુ ઈઝરાયલે પોતાનું કડક વલણ યથાવત્ રાખ્યું છે.

ઈઝરાયલનો પીઠ ફેરવવાનો નિર્ણય

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ લેબેનૉન, સીરિયા અને ગાઝામાંથી પોતાની સેના પાછી નહીં ખેંચે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને સ્પષ્ટ કહી દીધું છે કે હિઝબુલ્લાહ અને લેબેનૉન તરફથી મળતી કોઈપણ ધમકી કે હુમલાનો જડબાતોડ જવાબ આપવાનો ઈઝરાયલનો સાર્વભૌમ અધિકાર અબાધિત રહેશે.

કઈ બાબતો સંપૂર્ણપણે સ્પષ્ટ અને નકકી છે?

આ તમામ વિરોધાભાસી અહેવાલો વચ્ચે, કેટલીક એવી બાબતો છે જે સત્તાવાર રીતે નક્કી થઈ ચૂકી છે, આ કરાર પર હસ્તાક્ષર થતાંની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ વ્યાપારી જહાજો માટે ફરીથી ખોલી દેવામાં આવશે અને ઈરાની બંદરો પરથી અમેરિકી નૌસેનાની નાકાબંધી હટાવી લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાં જહાજોની અવરજવર સંપૂર્ણપણે ‘ટોલ-ફ્રી’ (કોઈપણ શુલ્ક વિના) રહેશે, જે યુદ્ધ પહેલા પણ મફત જ હતી. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, શુક્રવારે હસ્તાક્ષર બાદ દરિયામાંથી માઇન્સ હટાવવાના કામની સાથે જ આ ક્ષેત્ર અને સમગ્ર વિશ્વ માટે ક્રૂડનો પ્રવાહ બંને છેડેથી ફરી શરૂ થઈ જશે. આ વચગાળાની ડીલ પછી, વાર્તાલાપનો આગામી રાઉન્ડ શરૂ થશે જે મુખ્યત્વે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન પર કેન્દ્રિત રહેશે, જે આ સમગ્ર વિવાદની મુખ્ય ‘રેડ લાઇન’ રહ્યું છે.

આ પણ વાંચો: Explainer: હિમાલય નીચેની વિશાળ પ્લેટ ફાટી રહી છે, જાણો ભારત પર કેમ છે મોટા ભૂકંપનું જોખમ

શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં થશે ઐતિહાસિક હસ્તાક્ષર

આ સમગ્ર શાંતિ વાટાઘાટોમાં મુખ્ય મધ્યસ્થની ભૂમિકા ભજવનાર પાકિસ્તાને સત્તાવાર એલાન કર્યું છે કે આ સમગ્ર ફ્રેમવર્ક પર આગામી શુક્રવારે, 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે સંસદમાં સાંસદોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને ઈરાન લેબેનૉન સહિતના તમામ મોરચે યુદ્ધનો કાયમી અંત લાવવા માટે સંમત થયા છે, જે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સફળતા છે.’ આ MoUની તમામ વિગતવાર શરતો શુક્રવારે હસ્તાક્ષર પૂર્ણ થયા બાદ સાર્વજનિક કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button