કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Misdemeanor Case Court Sentences Accused to 20 Years Rigorous Imprisonment

![]()
Kalol Minor Kidnapping-Misdemeanor Case: ગાંધીનગરના કલોલ તાલુકામાં વર્ષ 2025માં બનેલી સગીરાના અપહરણ અને શારીરિક શોષણની ગંભીર ઘટનામાં ન્યાયતંત્રએ ચુકાદો આપ્યો છે. કલોલની ચોથી એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર કુશવાહને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી
કેસની વિગત મુજબ, મે 2025માં આરોપી રોહિતકુમાર છત્રાલ વિસ્તારમાંથી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને હરિયાણાના ગન્નોર ખાતે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હોવા છતાં આરોપીએ તેનું શોષણ ચાલુ રાખ્યું હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બિહારથી આરોપીને ઝડપી પાડ્યો
સમગ્ર મામલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB) અને સાયબર સેલની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી હરિયાણામાં છુપાયો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી સગીરાને મુક્ત કરાવી હતી, પરંતુ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સતત પીછો કરતી પોલીસે બિહારના રોહતાસ જિલ્લામાં સ્થાનિક વેશ ધારણ કરી છાપો માર્યો હતો અને આરોપીને તેના વતનમાંથી ઝડપી પાડ્યો હતો.
કલોલ તાલુકા પોલીસે આ કેસમાં ટેકનિકલ પુરાવા એકત્ર કરી સમયસર ચાર્જશીટ રજૂ કરી હતી અને કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ બી.આર. રાજપુતે આ કડક સજા સંભળાવી હતી. જેમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.2 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.



