અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad Municipal Corporation

![]()
અમદાવાદ,ગુરુવાર,30
એપ્રિલ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ૧૬૦
ઉમેદવાર જીતીને કોર્પોરેટર બન્યા છે. આ પૈકી ભાજપે ટિકીટ આપી હોય એવા ૫૧ પટેલ, ૧૪ જૈન અને ૧૬
બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ છે. ઉમેદવાર ઓ.બી.સી.હોય તેમ છતાં ભાજપે સામાન્ય બેઠક
ઉપરથી તેમને ઉમેદવાર તરીકે ઉતાર્યા હોય એવા દસ ઉમેદવારોની જીત થઈ છે. ૧૭ બ્રાહ્મણ
ઉમેદવારોને ટિકીટ અપાઈ હતી.જે પૈકી ખાડીયામા એક બ્રાહ્મણ ઉમેદવાર હારી ગયા છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલમાં પણ કોઈપણ રાજકીય પક્ષ કઈ
જ્ઞાતિના કેટલા ઉમેદવારોને ઉમેદવારી કરવા ટિકીટ આપે છે તેના ઉપર સૌની નજર રહેતી હોય
છે.કોઈપણ રાજકીય પક્ષ હોય તેના કાર્યકર્તાઓ સુધી જ્ઞાતિ આધારીત સમીકરણોની ચર્ચા સાંભળવા
મળતી હોય છે. વર્ષ-૨૦૨૬ની નવી ટર્મ માટે ભાજપના જે કોર્પોરેટરો જીત્યા છે.તેમાં જ્ઞાતિ
આધારીત પસંદ કરવામા આવેલા તમામ ઉમેદવારોની જીત થઈ છે. એક માત્ર ખાડીયા વોર્ડમાંથી પંકજ
ભટ્ટની હાર થઈ છે.નોંધપાત્ર બાબત એ છે કે,
ઓ.બી.સી.વર્ગમાંથી આવતા હોય તેવા દસ ઉમેદવારોને ભાજપે સામાન્ય બેઠક ઉપરથી ઉમેદવાર
તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.તે તમામની
જીત થઈ છે. થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને સામાન્ય બેઠક ઉપરથી પક્ષે ઉમેદવાર તરીકે
પસંદ કર્યા હતા.જેમની જીત થઈ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
કોંગ્રેસમાં વિપક્ષનેતા બનવાની હોડ શરુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મમાં વિપક્ષ
કોંગ્રેસને ગત ટર્મ કરતા આઠ બેઠકનો ફાયદો થતા કુલ ૩૨ કોર્પોરેટર થયા છે.વિપક્ષનેતા
બનવાની હોડમાં ગત ટર્મમા વિપક્ષનેતા રહેલા શહેજાદખાન પઠાણ ઉપરાંત ઉપનેતા રહેલા
નિરવબક્ષીના નામ મુખ્ય છે. દાણીલીમડા અને જમાલપુર વિધાનસભામા આવતા દાણીલીમડા
ઉપરાંત બહેરામપુરા અને ગોમતીપુર એમ ત્રણ વોર્ડની કુલ બાર બેઠક કોંગ્રેસે આ વખતની
ચૂંટણીમાં જીતી છે.બીજી તરફ દરિયાપુર વિધાનસભામાં આવતા દરિયાપુર વોર્ડની પેનલ એટલે
કે ચાર બેઠક કોંગ્રેસે જીતી છે.જયારે દરિયાપુર વિધાનસભામાં આવતા શાહપુર વોર્ડની એક
બેઠક કોંગ્રેસે ગુમાવી છે.હવે કોંગ્રેસ હાઈકમાન્ડ શુ નિર્ણય કરે છે એના ઉપર
વિપક્ષનેતા પદે કોણ બેસશે તેનો આધાર રહેલો છે.
૬થી ૮ મે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજયની તમામ
ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ૬થી ૮મે દરમિયાન ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની
બેઠક ગાંધીનગર ખાતે મળશે. આ બેઠક પછી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય તમામ મનપાના નવા હોદ્દેદારોના
નામની જાહેરાત કરવામા આવશે એવી પ્રબળ સંભાવના છે.

