બેકાબુ બનતા ઓનલાઇન ઠગો, GACLના નિવૃત્ત અધિકારીને 1.50 કરોડનો નફો બતાવી 1 કરોડ ખંખેર્યા | Vadodara : retired GACL officer cheated by 1 crore by showing him profit of 1 50 cr

![]()
Vadodara Fraud Case : ઓનલાઇન ઠગાઈ કરતા ભેજાબાજો સામે જાગૃતિ લાવવા સતત ઝુંબેશ ચાલતી હોવા છતાં હજી તેઓ અનેક લોકોને શીશામાં ઉતારી લાખો રૂપિયા ઉસેડી રહ્યા છે. વડોદરાના સિનિયર સિટીઝને આવી જ રીતે એક કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
વડોદરાના હરણી મોટનાથ રોડ ઉપર કામાક્ષી હાઈટ્સ ખાતે રહેતા જીએસીએલના નિવૃત્ત એડિશનલ મેનેજર રાકેશ દેસાઈએ પોલીસને કહ્યું છે કે ગઈ તા.18મી નવેમ્બરે મને અરેઝ ટ્રેન્ડ નામના એક ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ ગ્રુપના વીઆઈપી ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યો હતો. જેમાં સરબરી શહા નામની વ્યક્તિ ગ્રુપ એડમીન હતી.
સિનિયર સિટીને કહ્યું છે કે મને ઇન્વેસ્ટમેન્ટ માટે ટીપ આપવામાં આવતી હતી જે જોયા બાદ મેં ઇન્વેસ્ટમેન્ટ માટે ઈચ્છા બતાવતા મને એક લિંક મોકલી તેમાં કેવાયસીના નામે વિગતો ભરાવવામાં આવી હતી.
ત્યારબાદ હું રકમ ભરતો ગયો હતો. સરબરી શાહ મને કી મોકલતી હતી. જે ઓપન કરતા બેન્ક એકાઉન્ટની વિગતો આવતી હતી અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ સાથે મારા ડિજિટલ એકાઉન્ટમાં નફો દેખાતો હતો પરંતુ આ રકમો હું ઉપાડવાનો પ્રયાસ કરું તો મારી પાસે વધુ રકમ માંગવામાં આવતી હતી. મેં રૂ.1 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી હતી. જેની સામે 1.53 કરોડનો નફો દેખાતો હતો.
આમ હું રૂપિયા નહીં ઉપાડી શકતા મને શંકા થઈ હતી અને સાયબર સેલને જાણ કરતા તેમણે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



