વિશ્વગુરુ બનવા માગતા પાકિસ્તાનને મોટો ઝટકો, મધ્યસ્થતા છીનવાઈ, ટ્રમ્પે ઈરાન સાથે સીધી વાતચીત કરી | Big Setback for Pakistan as US Iran Direct Talks Undermine Mediation Role

![]()
Trump Bypasses Pakistan: વિશ્વ સ્તરે મધ્યસ્થી બનીને ‘વિશ્વગુરુ’ છાપ ઊભી કરવા મથતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો રાજદ્વારી ફટકો પડ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનવાના પાકિસ્તાનના પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પાકિસ્તાન દ્વારા સંપર્ક કરવાને બદલે ઈરાન સાથે સીધી વાતચીત કરવા પર ભાર મૂક્યો છે.
પાકિસ્તાન પર વિશ્વાસનો અભાવ
ઈરાને પાકિસ્તાન પર વિશ્વાસ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન એક પાડોશી દેશ તરીકે સારો છે, પરંતુ મધ્યસ્થી તરીકે તેણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.’ તેમણે આરોપ લગાવ્યો કે, ‘પાકિસ્તાન સતત ડોનાલ્ડ ટ્રમ્પના હિતોને ટેકો આપી રહ્યું છે અને અમેરિકા સામે કોઈ નક્કર વલણ અપનાવતું નથી. આ કારણોસર, ઈરાન હવે પાકિસ્તાનને વાટાઘાટો માટે યોગ્ય પક્ષ ગણતું નથી.’
એક અહેવાલ મુજબ, ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, ‘અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દઈશું નહીં. અમે તેમની નૌકાદળ અને વાયુસેનાને પહેલેથી જ મોટું નુકસાન પહોંચાડ્યું છે.’
ટ્રમ્પ-પુતિન વચ્ચે 90 મિનિટની મેરેથોન ચર્ચા
આ દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ 90 મિનિટથી વધુ લાંબી ટેલિફોનિક વાતચીત કરી હતી. ક્રેમલિને આ ચર્ચાને અત્યંત ‘મૈત્રીપૂર્ણ અને ઉત્પાદક’ ગણાવી છે. આ વાતચીતમાં ઈરાન સાથેનો ચાલુ સંઘર્ષ, યુક્રેન વિવાદનો ઉકેલ અને વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં તાજેતરમાં થયેલ ગોળીબારની ઘટના પર ચર્ચા કરવામાં આવી હતી.
ઈરાને ભારત સાથે સાધ્યો સંપર્ક
એક તરફ પાકિસ્તાનની બાદબાકી થઈ છે, તો બીજી તરફ ઈરાને ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાટાઘાટોમાં યુદ્ધવિરામ, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સંબંધિત નવીનતમ વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોના નેતાઓએ વર્તમાન પરિસ્થિતિના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં પરસ્પર સંપર્ક જાળવી રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.



