गुजरात

ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets from the guard on the train as there is no clerk



કેશોદના બડોદર સ્ટેશને સુવિધાનો અભાવ, ગામ બંધની ચીમકી : 1 મિનિટનો સ્ટોપ છતાં બધાને ટિકિટ આપવા માટે 5થી 10 મિનિટ સુધી ટ્રેન ઊભી રાખવી પડે છે

જૂનાગઢ, : કેશોદ તાલુકાના બડોદર રેલ્વે સ્ટેશન પર કોઈજાતની સુવિધા નથી. બુકિંગ ક્લાર્ક પણ ન હોવાથી મુસાફરોએ ટ્રેન આવે ત્યારે છેલ્લા કોચમાં રહેલા ગાર્ડ પાસે ટિકીટ લેવા માટે દોડવું પડે છે. ટ્રેનનો સ્ટોપ 1 મિનીટનો છે પરંતુ બધા મુસાફરો ટિકીટ લઈ બેસે ત્યાં સુધીમાં 5-10 મિનીટ થઈ જાય છે.

બડોદર ગામે અંગ્રેજોના વખતથી ફ્લેગ રેલ્વે સ્ટેશન છે. હાલ આ સ્ટેશન પર પાણી, ટોયલેટ, છાપરૂ જેવી પ્રાથમિક સુવિધા નથી. પ્લેટફોર્મ સાવ નીચું હોવાના કારણે બાળકો, સિનીયર સિટીઝન્સ, મહિલાઓને મુશ્કેલી થાય છે. છેલ્લા એક વર્ષથી ટિકીટ બુકિંગ ક્લાર્ક નથી. જે કોન્ટ્રાક્ટરને ટિકીટ બુકિંગનું કામ સોંપ્યું હતું તેનું કમિશન ઓછું હોવાથી તે ટિકીટ બુક કરવા તૈયાર નથી આથી હાલ ટ્રેન આવે ત્યારે મુસાફરોએ છેલ્લા કોચમાં રહેલા ગાર્ડ પાસે ટિકીટ લેવા માટે દોડવું પડે છે. હાલ 10 લોકલ ટ્રેનમાંથી 9 ટ્રેનનું બડોદર ખાતે 1 મિનીટનો સ્ટોપ છે પરંતુ મુસાફરોએ ગાર્ડ પાસેથી ટિકીટ લેવામાં 5-10 મિનીટ થાય છે જેથી ત્યાં સુધી ટ્રેન ઉભી રાખવી પડે છે અને ટ્રેન તેમજ અન્ય મુસાફરોનો સમય વ્યય થાય છે. 

મુસાફરોની સુવિધા માટે બડોદર સ્ટેશને બુકિંગ ક્લાર્કની નિમણુંક કરવી, પ્લેટફોર્મ ઉંચું લેવું, સૌરાષ્ટ્ર જનતા અને ઈન્ટરસીટી ટ્રેનને સ્ટોપ આપવાની માંગ ગ્રામજનોએ ભાવનગર ડીઆરએમને રજુઆત કરી છે. જો તા. 1 જૂન  2026 સુધીમાં આ માંગણી પુરી કરવામાં નહી આવે તો તા.2ના બડોદર સ્વયંભૂ બંધ રાખવા તેમજ સવારે 8થી સાંજે 7 સુધીમાં જે કોઈ ટ્રેન પસાર થશે તેને રોકવાની ચિમકી આપી છે. આ બાબતને આસપાસના 15 ગામના સરપંચોએ પણ ટેકો આપ્યો છે.

બસ નથી આવતી, 15 ગામ માટે ટ્રેન મહત્વની

બડોદરમાં સરકારી બસ આવતી નથી. નવું એરપોર્ટ બનતું હોવાથી કેશોદથી બડોદરનો રસ્તો બંધ કરી દીધો છે. કોઈ બિમાર પડે તો કેશોદ, જૂનાગઢ, રાજકોટ કે અન્ય શહેરમાં જવા ટ્રેનનો જ સહારો છે. બડોદર ઉપરાંત આસપાસના ફાગળી, મઘરવાડા, ખોરાસા, ધ્રાબાવડ, ચિત્રી, અગતરાઈ, માણેકવાડા, ખોખરડા, ડેરવાણ સહિતના આસપાસના 15 ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ટ્રેનમાં મુસાફરી માટે બડોદર સ્ટેશનનો ઉપયોગ કરે છે.



Source link

Related Articles

Back to top button