गुजरात

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than more than 25 candidates in Jamnagar Municipal Corporation



4064 મતદારોને એકપણ ઉમેદવાર મતને લાયક લાગ્યા નહીં : વોર્ડ નં. 11માં સૌથી વધુ અને વોર્ડ નં.6માં સૌથી ઓછો ‘નોટા’નો ઉપયોગ : EVMમાંથી મતદારોનો અસંતોષ ખુલ્યો

જામનગર, : લોકશાહીમાં મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ જ્યારે મતદારને એક પણ ઉમેદવાર યોગ્ય ન લાગે ત્યારે તે ‘નોટા’ એટલે કે ‘એકપણ નહીં..’નો વિકલ્પ પસંદ કરે છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી- 2026ના જાહેર થયેલા પરિણામોમાં આશ્ચર્યજનક 16 વોર્ડમાં કુલ 4,064 મતદારોએ EVMમાં છેલ્લું બટન એટલે કે ‘નોટા’ દબાવીને રાજકીય પક્ષો પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. જેમાં ૨૫થી વધુ ઉમેદવારો કરતા પણ નોટાનાં મત વધુ છે.

ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, જામનગરના વોર્ડ નંબર 11માં સૌથી વધુ 373 મતો નોટામાં પડયા છે. આ દર્શાવે છે કે આ વિસ્તારના સુશિક્ષિત અથવા જાગૃત મતદારોમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. તેની સામે વોર્ડ નંબર 6માં સૌથી ઓછા 144 મતો નોટાને મળ્યા છે. અન્ય વોર્ડની વાત કરીએ તો વોર્ડ 1 માં 343, વોર્ડ 15 માં 335 અને વોર્ડ 8 માં 292 મતો સાથે નોટા ત્રીજા-ચોથા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. 

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જામનગરના લગભગ તમામ 16 વોર્ડમાં એવા અનેક ઉમેદવારો ખાસ કરીને અપક્ષ અને નાના પક્ષોના છે જેમને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. જેમ કે, વોર્ડ નંબર 1 માં બહુજન સમાજ પાર્ટી અને અપક્ષના અમુક ઉમેદવારો કરતા ‘નોટા’ના 343 મતનો આંકડો વધારે રહ્યો છે. એ જ રીતે વોર્ડ નંબર 3 માં અપક્ષ ઉમેદવારોની સરખામણીએ 195 મતદારોએ નોટા પર પસંદગી ઉતારી છે. વિશ્લેષણ મુજબ, અંદાજે 25થી વધુ ઉમેદવારો એવા છે જેઓ ‘નોટા’ના આંકડાને પણ વટાવી શક્યા નથી. આ સ્થિતિ રાજકીય પક્ષો માટે આત્મમંથનનો વિષય છે કે તેઓ જનતાની અપેક્ષા મુજબના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહ્યા છે.

‘નોટા’નો ટ્રેન્ડ રાજકારણના સમીકરણો પણ બદલી શકે 

જામનગરની જનતાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવાર લાયક નહીં હોય તો તેઓ ‘કોઈ પણ નહીં’નો વિકલ્પ પસંદ કરવામાં અચકાશે નહીં. આ ટ્રેન્ડ આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, 4064 મતો એ માત્ર આંકડો નથી પરંતુ મતદારોનો મૌન સંદેશો છે. જ્યારે મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આપ સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય અથવા ઉમેદવારની છબી ખરડાયેલી હોય, ત્યારે મતદાર નોટા તરફ વળે છે. નોટાના આ વધતા ગ્રાફને કારણે આવનારી ચૂંટણીઓમાં પક્ષોએ ટિકિટ વિતરણ વખતે વધુ સાવચેતી રાખવી પડશે.



Source link

Related Articles

Back to top button