લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan gadhvi notice jayesh parmar kidnap allegation CID Crime Cyber Cell

![]()
Kirtidan Gadhvi Notice: ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ ઑર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડદેવડમાં વિવાદ સર્જાયો હતો. આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10થી મોડી રાતના 2 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા.
કિર્તીદાનના કહેવાથી પોલીસે અત્યાચાર કર્યો હોવાનો દાવો
અરજદારનો દાવો છે કે કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો. આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કિર્તીદાન ગઢવીને ગણાવ્યા ‘માસ્ટર માઇન્ડ’
અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કિર્તીદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે. સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપ છે કે નવરાત્રિ દરમિયાન પોલીસ અધિકારીઓ માટે 8,000થી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી, જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કિર્તીદાનના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાની શક્યતા છે.
હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ
આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતાં કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી. એમ. ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા નોટિસ જાહેર કરી છે. કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે.
કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચી હોવાની અરજદાર સામે FIR
બીજી તરફ, આ પ્રકરણમાં અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે નોંધાયેલી FIR મુજબ, જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પર ઓનલાઇન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65 હજાર જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચીને 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. જો કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાની બાબતને ધ્યાને લઈને ગાંધીનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષોના પુરાવાઓ તપાસ્યા બાદ જ અંતિમ ચુકાદો આવશે. કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.


