જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in District Panchayat 54 84 in Municipal Elections

![]()
નગરપાલિકાઓમાં ૬૫.૫૯ ટકા અને તાલુકા પંચાયતોમાં ૫૮.૧૬ ટકા મતદાન થયું
સામાન્ય માર્જીનથી હારજીતવાળી બેઠકોમાં ‘નોટા’ના મત હુકમનો એક્કો બની શકે
ભાવનગર – ભાવનગર જિલ્લા પંચાયતમાં ૫૭.૭૪ અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૪.૮૪ ટકા ફાઈનલ મતદાન થયાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત નગરપાલિકાઓમાં ૬૫.૫૯ ટકા અને તાલુકા પંચાયતોમાં ૫૮.૧૬ ટકા મતદાન થયું છે.
બીએમસી, મહુવા, પાલિતાણા, વલ્લભીપુર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં થયેલા મતદાનનો ગઈકાલે ટેન્ટેટીવ આંકડો જાહેર કરાયો હતો. જેમાં મોડે સુધીની કસરત બાદ ચૂંટણી તંત્રએ ફેરફારો કરી આખરી મતદાનની ટકાવારી જાહેર કરી છે. મ્યુનિ.ની ચૂંટણીમાં મતદાનના આંકડામાં ૦.૨ ટકાનો સામાન્ય ઘટાડો થતાં ૫૪.૮૪ ટકા ફાઈનલ મતદાન થયાનું જણાવાયું છે. બીએમસીમાં કુલ ૨,૫૧,૩૭૯ મતદારોએ મત આપ્યા હતા. મહુવા ન.પા.માં ૫૯.૬૫ ટકા, પાલિતાણા નગરપાલિકામાં ૬૭.૨૧ ટકા, વલ્લભીપુર નગરપાલિકામાં ૬૪.૯૭ ટકા મળી સરેરાશ ૬૨.૫૯ ટકા મતદાન થયું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૫૭.૭૪ ટકા અને ૧૦ તાલુકા પંચાયતમાં ૫૮.૧૬ ટકા મતદાન થયું છે.
આવતીકાલે મતગણતરી થશે. ત્યારે સામાન્ય માર્જીનથી હારજીતવાળી બેઠકોમાં ‘નોટા’ના મત હુકમનો એક્કો બની શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.



