રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 workers on election day in Rajkot

![]()
આજે બપોરે સુરક્ષા જવાનો મતદાન મથકોનો કબજો સંભાળી : લેશે ક્રાઇમ બ્રાંચ અને SOGને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપાઇ
રાજકોટ, : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને તમામ પાર્ટીના ત્રીસેક કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકવામાં આવશે. આવતીકાલે બપોરે પોલીસ અને બીજા સુરક્ષા જવાનો મતદાન મથકોનો કબજો લઇ લેશે.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ચૂંટણીમાં વિક્ષેપ ઉભો કરી શકે અને કાયદાનો ભંગ કરી શકે તેવા ત્રીસેક રાજકીય કાર્યકરોને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમની ઉપર ચૂંટણીનાં દિવસે નજર રાખવા માટે પોલીસ માર્કર તરીકે સાથે રહેશે.
આવતીકાલે બપોરે તમામ મતદાન મથકોનો પોલીસ અને બીજા સુરક્ષા જવાનો કબજો સંભાળી લેશે. ક્રાઇમ બ્રાંચ અને SOGને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. બંદોબસ્તનું સુપરવિઝન પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર કરશે. આ બંને ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ડીસીપી સહિતનાં અધિકારીઓ પોતાના સ્ટ્રાઇકિંગ ફોર્સ સાથે ચૂંટણીના દિવસે સતત પેટ્રોલિંગ કરતા રહેશે. પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળનાં જવાનો મળી 2500થી વધુ સુરક્ષા જવાનો કુલ 1187 મતદાન મથકો ઉપર બંદોબસ્ત જાળવશે. શહેરમાં 543 બિલ્ડિંગોના 1187 મતદાન મથકોમાં મતદાન થશે. જેમાંથી સેન્સિટિવ બિલ્ડિંગોમાં હથિયારધારી સુરક્ષા જવાનોને તહેનાત રાખવામાં આવ્યા છે.



