વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helper Killed Inside Premises in Lakhanis Kesarsi Goliya Village vav tharad

![]()
Vav Tharad News: વાવ-થરાદના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં જ એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા 12 વર્ષથી આ જ આંગણવાડીમાં તેડાઘર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મહિલા કર્મચારી પર અગમ્ય કારણોસર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આંગણવાડી જેવા પવિત્ર અને સુરક્ષિત ગણાતા સ્થળે થયેલી આ હત્યાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસના અંતે એક શંકાસ્પદ આરોપીને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
સ્થાનિક રાજકીય આગેવાન મહેશ દવેએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક મહિલાના પિયર પક્ષના લોકો રાજસ્થાનથી આવી રહ્યા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ગુનેગાર સામે કડક પગલાં ભરવામાં આવશે.



