સુરત: સત્તાના મદ અને બહુમતીના જોરે ફાળવેલા પ્લોટ ભાજપ માટે હવે આફત, ચૂંટણી ટાણે સવાલોનો મારો | Surat Municipal Corporation Elections Food Zone BJP Opposition in Plot Allocation

![]()
Surat Municipal Corporation Elections: સુરત મહાનગરપાલિકામાં બહુમતીના જોરે ભાજપ શાસકોએ લીધેલા કેટલાક નિર્ણયો ચૂંટણી સમયે પક્ષ માટે આફત સાબિત થઈ રહ્યા છે. તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષ અને હાલના શહેર પ્રમુખે ભાજપના કાર્યકરો અને પક્ષપલ્ટુઓના લાભાર્થે પાલિકાના પ્લોટોની લહાણી કરી હતી, જે હવે આસપાસના રહીશો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. આ પ્લોટોમાં ફૂડ કોર્ટ, ગેરેજ અને ગોડાઉન કાર્યરત હોવાથી સ્થાનિકો પરેશાન છે, જેનો રોષ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોએ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા વરાછામાં લોકો આ પ્લોટો ક્યારે ખાલી કરાવશો, તેનો હિસાબ માંગીને ઉમેદવારોને ઘેરી રહ્યા છે.
ભાજપના કાર્યકરોને પાલિકાના પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા
સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપને 93 બેઠકો મળી હોવા છતાં, પક્ષે ‘આપ’ના 12 કોર્પોરેટરોને ભાજપમાં ભેળવ્યા હતા. પાલિકામાં પ્રચંડ બહુમતીને કારણે તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે ભાજપના કાર્યકરો અને પક્ષપલ્ટુઓને રાજી રાખવા સંખ્યાબંધ પ્લોટોની લહાણી કરી હતી. ભાજપના કાર્યકરોને પાલિકાના પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા હતા, જ્યાં શેડ ઊભા કરીને ફૂડ ઝોન તથા અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે પેટા-ભાડે આપી દેવાયા છે.
સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા ફૂડઝોન
મોટાભાગના ફૂડ ઝોન રહેણાંક વિસ્તારમાં હોવાથી અને મોડી રાત સુધી ધમધમતા હોવાથી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા છે. આ મુદ્દે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે જ્યારે મોટા વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ રહ્યા છે, ત્યારે લોકો પ્લોટના કારણે પડતી મુશ્કેલીઓની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને પ્લોટની ફાળવણી રદ થશે કે નહીં તેવા અણીયારા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉમેદવારો પાસે આનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોવાથી તેમની હાલત કફોડી થઈ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો
ભાજપ શાસકોએ બહુમતીના જોરે ‘દલા તરવાડી’ જેવો વહીવટ કરી શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં પ્લોટ ફાળવીને લોકો માટે આફત ઊભી કરી દીધી છે. હવે સંગઠનમાં અનુભવનો અભાવ અને નબળી ટીમના કારણે ઉમેદવારો મતદારોના પ્રશ્નો સામે લાચાર જણાતા હોવાથી મૌન સેવી રહ્યા છે.



