કોર્ટમાં જમા કરેલો પાસપોર્ટ ખોવાઇ ગયો છે કહી નવો બનાવી દંપતી વિદેશ ફરી આવ્યું | Couple returns abroad after getting new passport claiming lost passport deposited in court

![]()
પાસપોર્ટ કોર્ટના હુકમથી જમા કરાવ્યો હતો : પોલીસમાં અરજી કરી નવો બનાવી લીધો : રાજયના અનેક રોકાણકારોને લોભામણી સ્કીમના નામે રૂ 6.28 કરોડ ઉઘરાવનાર : રાજકોટમાં ઓફિસ ધરાવતું દંપતી
સુરત, : રાજકોટ સહિત રાજયના અનેક રોકાણકારોને લોભામણી સ્કીમના નામે રૂ. 6.28 કરોડ ઉઘરાવ્યા બાદ રાતોરાત ઓફિસને તાળા મારી દેનાર રાજકોટ નાના મવા રોડની ધનંજય ફાયનાન્સના સંચાલક પાંભર દંપતીનો પાસપોર્ટ હાઇકોર્ટના આદેશ મુજબ કોર્ટમાં જમા હોવા છતા પાસપોર્ટ ખોવાઇ ગયાની પોલીસમાં અરજી કરી નવો પાસપોર્ટ કઢાવી વિદેશ પ્રવાસ કરતા પાસપોર્ટ એક્ટ અને ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ હેઠળ ડીંડોલી પોલીસે ફરીયાદ નોંધી દંપતીની ધરપકડ કરી છે.
રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલી ધનંજય ફાયનાન્સના સંચાલક દંપતી ઘનશ્યામ વલ્લભ પાંભર (ઉ.વ. 44) અને અસ્મીતા ઘનશ્યામ પાંભર (ઉ.વ. 42) બંને રહે. રીવરવ્યુ હાઇટ્સ, પેડર રોડ, મોટા વરાછા અને જલદર્શન સોસાયટી, સીમાડા નાકા, નાના વરાછા તથા મૂળ. પાંભર ઇટાળા, તા. લોધીકા, રાજકોટ) એ વર્ષ 2021માં લોભામણી સ્કીમના નામે રોકાણકારો પાસેથી રૂ. 6.28 કરોડ ઉઘરાવ્યા હતા. રોકાણકારોને વળતર તો ઠીક રોકાણની પણ રકમ પરત આપ્યા વગર રાતોરાત ઓફિસને તાળા મારી દીધા હતા. જેથી રોકાણકારોએ રાજકોટ તાલુકા પોલીસમાં પાંભર દંપતી વિરૂઘ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં હાઇકોર્ટ દંપતીના જામીન મુક્ત કર્યા ત્યારે કોર્ટની પરમીશન વગર ભારત છોડવું નહીં અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા હુકમ કર્યો હતો. જેથી દંપતીએ પાસપોર્ટ તો જમા કરાવી દીધો હતો પરંતુ ત્યાર બાદ પણ તેઓ વિદેશ પ્રવાસ કરતા હતા. જેની જાણ થતા રોકાણકાર એવા વકીલ અશોક હરીભાઇ કોયાણી (ઉ.વ. ૫૮ રહે. શીવ આરાધના સોસાયટી, સત્યા સાંઇ હોસ્પિટલ રોડ, રાજકોટ) રાજકોટ પોલીસમાં અરજી કરી હતી. અરજીની તપાસમાં દંપતીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતા સુરતના ડીંડોલી પોલીસમાં પાસપોર્ટ ખોવાઇ ગયાની ખોટી અરજી કરી એન.ઓ.સી મેળવી તેના આધારે સુરત રીજીયોનલ પાસપોર્ટ ઓફિસમાંથી નવો પાસપોર્ટ કઢાવ્યો હતો. પોલીસે દંપતીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
વિદેશ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું દંપતીને ભારે પડયું
હાઇકોર્ટએ જામીન મુક્ત કર્યા ત્યારે કોર્ટની મંજૂરી વગર ભારત છોડવું નહીં અને પાસપોર્ટ જમા કરવા હુકમ કર્યો હતો. પાંભર દંપતીએ પાસપોર્ટ જમા તો કરાવ્યો હતો તેમ છતા તેમણે વર્ષ 2024થી 2026 દરમિયાન દંપતી દુબઇ સહિતના દેશનો પ્રવાસ કર્યો હતો અને તેના ફોટા પણ સોશ્યિલ મિડીયા એકાઉન્ટ ઉપર અપલોડ કર્યા હતા. જેની જાણ થતા રોકાણકારોએ ચોંકી ગયા હતા અને આ અંગે તપાસ કરવા પોલીસમાં અરજી કરતા ભાંડો ફૂટયો હતો.



