ભાજપ પ્રવેશ કરવો નહીં : રાજકોટની વધુ એક સોસાયટીમાં બેનર્સ લાગ્યા | BJP will not enter: Banners put up in another society in Rajkot

![]()
વોર્ડ નં.1માં રસ્તા ઉપર ઉતરીને લોકોનું વિરોધ પ્રદર્શન : 2200 નાગરિકો રહે છે તે ઓસ્કાર સ્કાયપાર્કમાં રસ્તા,લાઈટ, દબાણ, ગંદકીના પ્રશ્નો ઉકેલી નહીં શકતા રોષ રસ્તા ઉપર આવ્યો
રાજકોટ, : આજે રાજકોટમાં એક તરફ પોલીસે ભાજપના નેતાઓ માટે વાહનચાલકોને પ્રવેશબંધી ફરમાવી હતી તો બીજી તરફ વોર્ડ નં.1માં વર્ષોથી સમસ્યાથી પીડિત લોકોએ ત્રાસીને જઈને ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વોર્ડમાં અગાઉ નાગેશ્વર સોસાયટીમાં પણ ભાજપના વર્ષો જુના કાર્યકરે રાજીનામુ આપીને રસ્તા સહિતના પ્રશ્ને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ રસ્તા સુધરશે તેવા હવે વચનો પણ અપાયા નથી.
રૈયારોડ ઉપર 2200ની વસ્તી ધરાવતા ઓસ્કાર સ્કાયપાર્કમાં ભાજપના વોર્ડ નં.1ના ચાર કોર્પોરેટરોએ પાયાની સુવિધાના કામ કરાવ્યા નથી અને મનપાના અધિકારીઓએ કર્યા નહીં તે સામેનો વર્ષો જુનો રોષ સપાટી પર આવ્યો હતો. આજે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો સોસાયટી પાસે રસ્તા ઉપર ઉતરીને આ વિસ્તારમાં અસહ્ય ગંદકી, ભંગાર રસ્તા, ટી.પી.રોડનો પ્રશ્ન, સ્ટ્રીટલાઈટ કાયમ બંધ અને અંધારા જેવા પ્રશ્ને 5 વર્ષથી પીડા સહ્યા બાદ આજે વિરોધ વ્યક્ત કર્યો છે.
લોકોએ ગેઈટ ઉપર બેનર્સ લગાવ્યા હતા કે આ સોસાયટીમાં ભાજપે પ્રવેશ કરવો નહીં. ‘વોટ જોઈએ તો કામનો હિસાબ આપો, વાયદા નહીં, વિકાસનો હિસાબ આપો, 2200થી વધુ વસ્તી હવે જવાબ આપશે રોડમાં ખાડા અને સ્ટ્રીટલાઈટમાં અંધારૂ’ વગેરે સૂત્રો લખેલા બેનર્સ પ્રદર્શિત કરીને રોષ વ્યક્ત કરાયો હતો.
આ વોર્ડના ગત ટર્મ 2001-2026ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાને ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ આપીને ભાજપ સરકારે કેબીનેટ મિનિસ્ટરનું પદ પણ આપ્યું હતુ જ્યારે આ વોર્ડના કોપોેરેટર હિરેન ખીમાણીયાને વોર્ડમાં ટિકીટ મળે તેમ નહીં હોવાથી વોર્ડ નં.14માં ફરી ટિકીટ અપાઈ છે. નેતાઓ સત્તા-સંપત્તિ મેળવવા સફળ અનેલોકો હારતા રહ્યા છે.



