અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad shahpur house theft jewelry cash stolen key hidden in shoe

![]()
Ahmedabad Shahpur Theft: અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરે ઘરની બહાર બૂટ-ચપ્પલમાં સંતાડેલી ચાવી શોધી કાઢી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 5.22 લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો છે. આ મામલે શાહપુર પોલીસે ગુનો નોંધી પાડોશમાં રહેતા બે શંકાસ્પદ યુવકોની દિશામાં તપાસ હાથ ધરી છે.
ચોરે નુસખો અજમાવી ઘરમાં કર્યો પ્રવેશ
મળતી માહિતી અનુસાર, શાહપુરમાં રહેતા મોનિકાબેન ચંડક ઉસ્માનપુરામાં નોકરી કરે છે અને તેમના પતિ જમીન-મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોનિકાબેન જ્યારે નોકરી પર જતા ત્યારે ઘરની ચાવી સીડી પાસે રાખેલા બૂટ-ચપ્પલમાં સંતાડતા હતા. ગત નવમીથી 12મી એપ્રિલ દરમિયાન કોઈ અજાણ્યા શખસે આ સંતાડેલી ચાવી શોધી કાઢી હતી અને ઘરના મુખ્ય દરવાજાનું લોક ખોલી બેડરૂમમાં રાખેલા કબાટમાંથી મત્તાની ચોરી કરી હતી.
દાગીના અને રોકડ સહિત લાખોની ચોરી
આ ચોરીની જાણ મહિલાને ત્યારે થઈ જ્યારે તેને રૂપિયાની જરૂર પડતા કબાટ ખોલ્યું હતું. કબાટના ડ્રોવર અડધા ખુલ્લા જોઈ તેઓ ચોંકી ગયા હતા. તપાસ કરતા કબાટમાંથી 4 તોલા સોનાની બંગડીઓ, સોનાની ચેઈન-પેન્ડન્ટ, માળા, નથણી, વીંટીઓ તેમજ ચાંદીના સિક્કા, પાયલ, ગ્લાસ અને કડા સહિત કુલ 5,12,700 રૂપિયા ના દાગીના અને 10,000 રૂપિયા રોકડા મળી કુલ 5,22,700 રૂપિયાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
પાડોશી યુવકો પર શંકાની સોય
ઘરમાં તપાસ કરવા છતાં કંઈ ન મળતા અંતે મોનિકાબેને શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે તેમના જ ફ્લેટમાં પાડોશમાં રહેતા બે યુવકોના શંકાસ્પદ વર્તન અંગે શંકા વ્યક્ત કરી છે. પોલીસ હાલ આસપાસના CCTV ફૂટેજ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરીને તસ્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.



