સૌરાષ્ટ્ર-દ.ગુજરાતની ફોલ્ટલાઈન્સ સક્રિય, ડાકોર પાસે 3.4નો તીવ્ર ભૂકંપ | Faultlines of Saurashtra South Gujarat active strong earthquake of 3 4 near Dakor

![]()
એક માસમાં ગુજરાતમાં 12 ભૂકંપો,એક પણ કચ્છમાં નહીં ! : મોટી ફોલ્ટલાઈન અને સૌથી વધુ જોખમી ઝોન કચ્છમાં પણ ભૂકંપીય ગતિવિધિ સૌરાષ્ટ્રમાં વધારે થઈ રહી છે
રાજકોટ, : ગુજરાતમાં તા. 22 માર્ચથી આજે તા. 22 એપ્રિલ સુધીના એક માસમાં 2.5થી વધુ તીવ્રતાના 12 ધરતીકંપો નોંધાયા છે, તે સિવાય નાના આંચકા તો અસંખ્ય આવ્યા છે ત્યારે આશ્ચર્યજનક રીતે કચ્છની ધરા આ સમયમાં શાંત છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તથા એકાદ ઉત્તર ગુજરાતની ફોલ્ટલાઈન સક્રિય થઈ છે. આજે આણંદથી 36 કિ.મી.ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ ડાકોરથી નજીક ઠાસરા, વજેવાલ, ગોલજ ગામ પાસે 3.4ની તીવ્રતાનો તીવ્ર ધરતીકંપ નોંધાયો હતો.
આજે સાંજે 4.35 વાગ્યે ડાકોર પાસે 22.815 અક્ષાંસ અને 73.179 રેખાંશ ઉપર જમીનમાં 28.7 કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદભવ્યો છે. લાંબા અરસા પાસે આ સ્થળે ભૂકંપ નોંધાયો છે અને તે ઉપરી સપાટીએ આવતા સ્વાર્મ પ્રકારનો નથી જણાતો, વળી ઉંડાણમાં આવ્યો છે.
ગુજરાતમાં ભૂકંપનું જોખમ સૌથી વધારે ધરાવતો વિસ્તાર કચ્છ જિલ્લો છે. આ સ્ટાન્ડર્ડ મૂજબ ત્યાં બાંધકામના નિયમો લાગુ પડે છે. પરંતુ, આશ્ચર્યજનક ટ્રેન્ડ એ જોવા મળ્યો છે કે ગત એક માસમાં કચ્છમાં 2.5થી વધુ તીવ્રતાના (કે જે કંપન જ ઓનલાઈન જાહેર કરાય છે) એક પણ ભૂકંપ આવ્યો નથી. મહિનાના 12 ભૂકંપ પૈકી 9 ભૂકંપ સૌરાષ્ટ્રમાં અમરેલી, મહુવા,રાજકોટ વિસ્તારમાં , બે દક્ષિણ ગુજરાતમાં અને એક ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે નોંધાયેલ છે. ગુજરાતમાં સિસ્મોલોજીના રિસર્ચ માટે સંસ્થા તો છે પરંતુ, ભૂતળમાં કંપનની ગતિવિધિના સંશોધન માટે હજુ ઘણુ ખેડવાનું બાકી છે.



