‘ઠગ ભુવા’થી સાવધાન! એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું સેરવી લેતો વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો | ahmedabad crime thug bhuva arrested lcb zone 7 gold seized

![]()
Ahmedabad News: અમદાવાદ શહેરની LCB ઝોન-7 પોલીસે એક એવા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. જે પોતાની ભુવા તરીકેની ઓળખ આપી નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતો હતો. આધ્યાત્મિક શક્તિના બહાને છેતરપિંડી કરતા આ શખસ પાસેથી પોલીસે રૂ. 1.75 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે.
પાલનપુર અને રાજકોટનો વોન્ટેડ આરોપી દબોચાયો
અમદાવાદ ઝોન-7 LCBની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને મુકેશનાથ નટવરનાથ ચૌહાણ (27 વર્ષ, રહે. દહેગામ) નામના શખશને ઝડપી પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બનાસકાંઠાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ઘટનામાં પણ તે નાસતો ફરતો હતો. અગાઉ તેની સામે અમદાવાદના વાસણા અને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો
શું હતી ઠગાઈની મોડસ ઓપરેન્ડી?
આ ઠગ ભુવો અત્યંત ચાલાકીથી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. રસ્તા પર એકલી જતી મહિલાઓને રોકીને વાતચીત શરૂ કરતો. પોતે આધ્યાત્મિક શક્તિ ધરાવે છે અને ભુવો છે તેવો ડોળ કરી મહિલાઓને વાતોમાં ભોળવતો. મહિલાઓને વિધિ કે ભક્તિના નામે ડર બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો. છેતરીને મહિલાઓ પાસેથી સોનાના દાગીના ઉતરાવી લેતો અને પળવારમાં ફરાર થઈ જતો.
પોલીસે કબ્જે કર્યો મુદ્દામાલ
ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી રૂ. 1,75,000ની કિંમતની સોનાની કાન સેર સાથેની બે બુટ્ટીઓ રિકવર કરી છે. આ ધરપકડ સાથે પોલીસે પાલનપુર અને રાજકોટના બે વણઉકેલ્યા (અનડિટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની આવી વાતોમાં આવીને કિંમતી દાગીના કે રોકડ ગુમાવવી નહીં અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.



