ટેરિફનું 12 અબજ ડોલરનું રિફંડ ભારતીય નિકાસકારોએ અમેરિકન કંપનીઓ પાસેથી લેવું પડશે | Indian exporters will have to get a refund of 12 billion in tariffs from American companies

![]()
– કંપનીઓને નાણાં મળતા 60 થી 90 દિવસનો સમય લાગી શકે
– ટ્રમ્પે નાખેલા ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવતા 166 અબજ ડોલરની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે
વોશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી ૧૬૬ અબજ ડોલરના રિફંડની પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવી છે. હવે તેમા ભારતીય નિકાસકારોને કુલ ૧૨ અબજ ડોલરનું રિફંડ લેવાનું નીકળે છે. આમ છતાં ભારતીય નિકાસકારો આ રિફંડ સીધુ ટ્રમ્પ તંત્ર પાસેથી નહીં મેળવી શકે, પરંતુ તેમણે અમેરિકન આયાતકારો પાસેથી રિફંડ મેળવવાનું રહેશે
ભારતના નિકાસકારોએ ટેરિફની ચૂકવણી કરી હોય તો તેમણે તેમના માટે આયાતકાર સમક્ષ રજૂઆત કરવાની રહેશે, એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ વધારાના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ ઠેરવી વસૂલેલા ટેરિફનું રિફન્ડ આપવા આદેશ આપ્યો છે. એક અંદાજ પ્રમાણે અમેરિકન સરકારે ૧૬૬ અબજ ડોલર જેટલી રકમનું રિફન્ડ આપવાનું આવે છે.
અમેરિકાના ૩.૩૦ લાખ જેટલા આયાતકારો રિફન્ડ મેળવવા માટે પાત્ર હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ રિફંડ પણ તાત્કાલિક નહીં મળે, તેને મળતા ૬૦થી ૯૦ દિવસ લાગશે. દિવસો વધી પણ શકે છે.
વધારાના ટેરિફ મારફત અમેરિકાએ વસૂલેલા ૧૬૬ અબજ ડોલરમાંથી ૧૨ અબજ ડોલર જેટલા ટેરિફ ભારતના માલસામાન પર વસૂલવામાં આવ્યા છે. અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી ૫૩ ટકા ખાસ કરીને એપરલ તથા ટેકસટાઈલ પર ઊંચા ટેરિફ નંખાયા હતા.
ભારતના માલસામાન પર વસૂલાયેલા એકંદર ૧૨ અબજ ડોલરના ટેરિફમાં અંદજે ૪ અબજ ડોલર એપરલ તથા ટેકસટાઈલ પર વસૂલાયા છે. આ ઉપરાંત અન્જિનિયરિંગ માલસામાન પર પણ આટલી જ માત્રાની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે કેમિકલ્સ પર બે અબજ ડોલર જેટલા ટેરિફ લેવામાં આવ્યા છે.
આ રકમનો દેશના નિકાસકારો પોતે રિફન્ડ માટે દાવો કરી શકશે નહીં. કારણ કે અમેરિકાના કસ્ટમ્સ વિભાગ દ્વારા તેમના આયાતકારો પાસેથી ટેરિફની વસૂલી કરવામાં આવી છે. દેશના નિકાસકારો તથા અમેરિકાના આયાતકારો વચ્ચે જે વેપાર સમજૂતિ થઈ હશે તે પ્રમાણે જ નિકાસકારો તેમના વેપાર ભાગીદાર પાસેથી રકમ પરત માગી શકશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.



