गुजरात

ફિક્સ પગારદાર કર્મીઓને હાઈકોર્ટથી મોટી રાહત, 6% વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને આદેશ | Gujarat High Court On Fixed Pay Employees Ordered to Pay Minimum Wage with 6% Interest



Gujarat High Court On Fixed-Pay Employees: રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટ ખુબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુતમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ 6 ટકા વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે.

ફિક્સ પગારના કર્મચારીની હાઈકોર્ટમાં અરજી

અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટના લઘુતમ પગારધોરણનો લાભ આપવામાં આવે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ  12 ડિસેમ્બર 2022ના અરજદારોના દાવાને નકારતો જે આદેશ રદ કર્યો હતો તે રદ કરવા માંગણી કરવામાં આવી હતી.

અરજદારોનો મુદ્દો એવો હતો કે, તેઓ લાંબા સમયથી 2500 રૂપિયાના નિશ્ચિત પગારે કામ કરે છે અને માત્ર ફિક્સ પગાર પર હોવાને કારણે તેમને લઘુતમ પગારથી વંચિત રાખી શકાય નહીં. સરકારે અગાઉ 8 કેટેગરી નક્કી કરી હતી અને તે તમામને આ પરિપત્રનો લાભ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

6 ટકા વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા નાણા વિભાગને હાઇકોર્ટનો આદેશ

સમગ્ર મામલે હાઇકોર્ટે નોંધ્યું કે, અરજદારોનો કેસ “કેટેગરી-3”માં આવે છે. જેમાં 29 દિવસની નોકરી અને 1 દિવસના કૃત્રિમ બ્રેક સાથે કામ કરાવવામાં આવે છે. કાયદા મુજબ આ પ્રથા યોગ્ય નથી અને આવા કર્મચારીઓને પગારના લાભથી વંચિત રાખી શકાય નહીં. તેથી કોર્ટ 12 ડિસેમ્બર 2022નો આદેશ રદ કર્યો. સાથે જ રાજ્યને આદેશ આપ્યો કે અરજદારોને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ લાભ આપવામાં આવે. 

હાઇકોર્ટે આદેશ કર્યો કે, બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવાનો રહેશે. ઉપરાંત આ રકમ પર 6% વ્યાજ પણ આપવાનું રહેશે.



Source link

Related Articles

Back to top button