જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્સને ઝડપી લીધો | Illegal gas refilling operation busted in Bedeshwar area of Jamnagar: SOG branch team nabs man

![]()
Jamnagar Gas Refilling : જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા.20 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 09:40 વાગ્યે બેડેશ્વર ખાતે સંજય મીલની પાછળની ગલીમાં આરોપી મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ.34), રહે. રાંદલનગર, નવાઘામ ઘેડ, જામનગર જાહેરમાં ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફિલિંગ કરી રહ્યો હતો.
આ દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થયું હતું.
પોલીસે સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ 4, અર્ધભરેલો બાટલો નંગ 1, ખાલી બાટલા નંગ 3 તેમજ બે લોખંડની નોઝલ મળી કુલ રૂપિયા 16,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્ટેબલ ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.


